લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
2871
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરા ખાતે ખાદ્ય સુરક્ષાને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. બે પેઢીઓમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ૩૫ લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી, પામોલિન તેલ અને વેજિટેબલ ફેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તપાસમાં લેવામાં આવેલા ચાર નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.કડાદરા સ્થિત શ્રી શ્યામ વેગોઇલ્સ ખાતે ૨ ઓક્ટોબરના રોજ તપાસ દરમિયાન પામોલિન તેલનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર એન. એમ. પરમારે લેબલ વગરનાં પેકેટ અને ટેન્કમાંથી પામોલિન તેલના બે શંકાસ્પદ નમૂના લીધા હતા. આ સાથે ૧,૮૫૮ કિલો પામોલિન તેલનો અંદાજે ૩.૧૫ લાખની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.બીજી તરફ કડાદરા સ્થિત શ્રી જાેગી જલિયાણ ડેરી ખાતે ૨ અને ૩ ઓક્ટોબરના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંથી શંકાસ્પદ ઘી અને વેજિટેબલ ફેટના બે નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આશરે ૭,૦૦૦ કિલો ઘી અને વેજિટેબલ ઓઇલનો અંદાજિત ૩૨ લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. બંને સ્થળેથી લેવામાં આવેલા ચારેય નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સ્પષ્ટતા થશે અને તે મુજબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ની લાગુ પડતી જાેગવાઈઓ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા આવી તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. હાલ જપ્ત કરાયેલા જથ્થાને શંકાસ્પદ ગણાવી સીઝ કરવામાં આવ્યો છે; ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે અન્ય નિયમભંગ થયો છે કે નહીં તે અંગેનો અંતિમ ર્નિણય લેબોરેટરીના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.