લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026 |
3762
સુરતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે રેરા ગુજરાતનાં નિયમોનો ભંગ કરવાના મામલે દંડિત થયેલા બિલ્ડરો-પ્રમોટરો પાસેથી દંડની વસૂલાતનો મુદ્દો હવે સામે આવ્યો છે. રેરા ગુજરાતે પોતાની વેબસાઇટના હોમપેજ પર સુરત સહિત ગુજરાતભરનાં બિલ્ડરોને અત્યાર સુધી ફટકારેલા દંડની વિગતો સાથે તેની રીકવરીની નોટિસ કાઢી છે, જેના પરથી એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ જણાતી નથી કે સુધરે એ બીજા બિલ્ડરો નહીં. રેરા ગુજરાતનાં ડોક્યુમેન્ટમાં સુરત શહેર જિલ્લાનાં ૫૩ બિલ્ડરો-પ્રમોટરો સામે દંડની કુલ ૭૬ એન્ટ્રીઓ દર્શાવવામાં આવી છે, જેમાં મળીને રૂ.૨.૬૯૨૫ કરોડની દંડની રકમ થાય છે. ખાસ વાત એ છે કે આ દંડની એન્ટ્રીઓમાં સૌથી જૂનો કેસ વર્ષ ૨૦૧૯નો છે, જ્યારે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ સુધી પણ સતત દંડની એન્ટ્રીઓ નોંધાયેલી છે.
આંકડાઓનું વિશ્લેષણ કરતાં સૌથી મોટો દંડ એવેન્ટિસ ડ્રીમ હોમ્સ એલએલપીનાં ઓફિરા સીએસ્ટા પ્રોજેક્ટ માટે રૂ.૨ કરોડનો હોવાનું સામે આવે છે. એક જ દંડની આ રકમ સુરતનાં સમગ્ર દસ્તાવેજમાં દર્શાવાયેલી કુલ દંડ રકમના આશરે ૭૪ ટકા જેટલી થાય છે. આ ઉપરાંત કેટલાક પ્રમોટરો સામે એકથી વધુ પ્રોજેક્ટ અથવા એક જ પ્રોજેક્ટમાં અલગ-અલગ કાયદાકીય કાર્યવાહી હેઠળ દંડ નોંધાયો છે.
વર્ષવાર જાેવામાં આવે તો ૨૦૧૯માં એક કેસમાં રૂ.૫ લાખ, ૨૦૨૧માં ૧૨ કેસમાં રૂ.૭.૫૫ લાખ, ૨૦૨૨માં ૯ કેસમાં રૂ.૬.૨૫ લાખ અને ૨૦૨૩માં સૌથી વધુ ૩૨ કેસમાં રૂ.૧૬.૭૫ લાખનો દંડ નોંધાયો છે. ૨૦૨૪માં ૫ કેસમાં રૂ.૮.૭૫ લાખ, ૨૦૨૫માં ૫ કેસમાં રૂ.૪.૫૦ લાખ અને ૨૦૨૬માં ૧૨ કેસમાં સૌથી વધુ રૂ.૨.૨૦૪૫ કરોડનો દંડ નોંધાયો છે. અર્થાત્ દસ્તાવેજમાં નોંધાયેલા દંડની મોટી સંખ્યા ૨૦૨૩ની છે, પરંતુ દંડની કુલ રકમની દ્રષ્ટિએ ૨૦૨૬નું વર્ષ અલગ જ ઊભરી આવે છે, કારણ કે તેમાં એકલા એવેન્ટિસ ડ્રીમ હોમ્સ એલએલપી ઉપર રૂ.૨ કરોડનો દંડ છે.