સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવની હૈદરાબાદ સામે ૧૫ બોલમાં ફિફ્ટી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, નવેમ્બર 2026  |   2673


ભારતના ભૂતપૂર્વ ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરી. તેણે કોલકાતામાં હૈદરાબાદ સામે માત્ર ૧૫ બોલમાં અડધી સદી ફટકારી. મુંબઈએ મેચ સાત વિકેટથી જીતી લીધી. પહેલા બેટિંગ કરતા હૈદરાબાદના ૨૦ ઓવરમાં ૧૭૨ રનના જવાબમાં મુંબઈએ ૧૩.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૪ રન બનાવીને મેચ જીતી લીધી. સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે ૨૧ બોલમાં અણનમ ૬૦ રન બનાવ્યા, સૂર્યકુમારે ૧૫ બોલમાં અડધી સદી પૂરી કરી. સરફરાઝ ખાનના ભાઈ મુશીરે પણ અડધી સદી ફટકારી. મુશીર ૨૪ બોલમાં ૫૧ રન બનાવી આઉટ થયો હતો, જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. અજય દેવ ગૌડે તેને આઉટ કર્યો હતો.

મુશીરે અગાઉ વિકેટકીપર-બેટ્સમેન હાર્દિક તમોર સાથે ૨૬ બોલમાં બીજી વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી કરી હતી. બે વખતના ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય શિવમ દુબેએ ૧૪મી ઓવરના પહેલા બોલ પર છગ્ગા ફટકારીને મુંબઈનો વિજય સુનિશ્ચિત કર્યો હતો. શિવમ પાંચ બોલમાં ૧૩ રન બનાવીને અણનમ રહ્યો હતો, જેમાં બે છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ તરફથી અંગક્રિશ રઘુવંશીએ ૨૭ અને હાર્દિકે ૨૨ રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી અજયે બે વિકેટ લીધી હતી, જ્યારે પ્રણવ વર્માએ એક વિકેટ લીધી હતી.આ પહેલા મેક્સવેલ સ્વામિનાથને ચાર ઓવરમાં ૨૩ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે શિવમ દુબે અને સાઈરાજ પાટીલે હૈદરાબાદના બે-બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મુંબઈએ હૈદરાબાદની આખી ટીમને ૨૦ ઓવરમાં ૧૭૨ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. હૈદરાબાદ તરફથી અભિરથ રેડ્ડીએ ૨૪ બોલમાં ૩૫ રન બનાવ્યા, જ્યારે કોડીમેલાએ ૧૬ બોલમાં ૨૫ રન બનાવ્યા. સિઝનની પોતાની પહેલી મેચમાં મોટી જીત મેળવ્યા બાદ, મુંબઈ હવે ૧૬ નવેમ્બરે તે જ મેદાન પર પોતાની બીજી મેચમાં ગુજરાતનો સામનો કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution