લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓક્ટોબર 2026 |
1881
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવાની ખાસ ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા સતત ચોથા દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેમાં રૂ. ૩,૬૧,૩૮૭ જેટલો બાકી વેરો ન ભરનાર મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરીને અમૂલ ડેરી રોડ પર આવેલી ૪ અને ૧૦૦ ફુટ રોડ પરની ૪ મળીને કૂલ ૮ પ્રોપર્ટીઓને સીલ કરવામાં આવી છે. મનપાના તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના સર્વાંગી વિકાસ, માળખાકીય સુવિધાઓ અને સુંદરતા માટે કરદાતાઓનો સહયોગ અત્યંત આવશ્યક છે. આ તકે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ મિલકતધારકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જેઓનો મિલકત વેરો કે અન્ય કોઈ વેરો ભરવાનો બાકી હોય, તેઓ તાકીદે અને સમયસર પોતાના વેરાની ભરપાઈ કરી દે. સમયસર વેરો ભરીને નાગરિકો કોઈપણ પ્રકારની સીલિંગ કે દંડકીય કાર્યવાહીથી બચી શકે છે.મહાનગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવતો વેરો એ સીધો જ લોકકલ્યાણકારી યોજનાઓ પાછળ વપરાય છે. આથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને આહ્વાન કરવામાં આવ્યું છે કે, “આપણું શહેર, આપણો વિકાસ“ ના મંત્ર સાથે સમયસર બાકી વેરો ભરીને મહાનગરપાલિકાના વિકાસયજ્ઞમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે.