લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓક્ટોબર 2026 |
1980
શહેરનાં અમરોલી વિસ્તારમાં રહેતા શિક્ષકને બે કરોડનાં મની લોન્ડરિંગમાં ૨૦ લાખ કમિશન મેળવ્યાની વાતે ડરાવી તપાસનાં નામે ડિજિટલ એરેસ્ટ કરી ૭.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતાં. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર કોસાડનાં બ્રાહ્મણ ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય જયંતિ દલપતભાઈ પટેલ અમરોલી સ્થિત એમ.એમ. શાહ કન્યા શાળામાં પી.ટી. શિક્ષક તરીકે નોકરી કરે છે. પાંચમી ઓક્ટોબરે તેમને અજાણ્યાનો કોલ આવ્યો હતો. ડેટા પ્રોટેક્શન બોર્ડનાં અધિકારી સુમિત શુક્લા તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પટેલને કહ્યું હતું કે, "તમારા આધારકાર્ડનો ઉપયોગ કરી નાસિક ખાતે સીમ કાર્ડ ખરીદવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવ્યો છે." આ રીતે પટેલને ગભરાવ્યા બાદ શુક્લએ તમારે ફોન નાસિક પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરૂ છું એમ કહી અન્ય વ્યક્તિ સાથે વાત કરાવી હતી.
એ વ્યક્તિએ મની લોન્ડરિંગના ગંભીર ગુનાની તપાસ ચાલી હોય તમારો આધાર કાર્ડ બતાવવા અને ફેસ વેરિફિકેશન કરાવવા એમ કહ્યું હતું. ત્યારબાદ, નાસિક પોલીસ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટના નામે બનાવટી લેટરહેડ, સિક્કા અને ડિજિટલ સહીવાળા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા. ઠગ ટોળકીએ એવી ધમકી આપી હતી કે, નાસિકમાં ઝડપાયેલા ૨૪૭ એટીએમ કાર્ડ અને મની લોન્ડરિંગના કેસમાં તમારૂનું નામ સંકળાયેલું છે અને તેમને આ ગેરકાયદેસર વ્યવહારોમાંથી ૨૦ લાખ રૂપિયા કમિશન મળ્યું છે.
આ રીતે પટેલને સતત વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રાખી ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનો ડભ ઊભો કર્યો હતો. સરકારી તપાસ અને ચકાસણીના બહાને તમામ નાણાં સરકારી ખાતામાં જમા કરાવવાની અને તપાસ પૂરી થયા બાદ નાણાં પરત આપવાની ખોટી ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. ગભરાઈ ગયેલા શિક્ષકે ૦૭ ઓક્ટોબરે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનાં ખાતામાંથી આરટીજીએસ દ્વારા ૭,૫૦,૦૦૦ ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ પટેલને ઇડીના નામની બનાવટી રસીદ પણ મોકલવામાં આવી હતી. જો કે, વધુ પૈસાની માંગણી અને તપાસના કોલ ચાલુ રહેતાં પટેલને ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. બાદમાં તેમણે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી ઓનલાઇન અરજી નોંધાવી હતી. આ મામલે હવે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે.