અમરોલીની નગરપ્રાથમિક શાળામાં મીટરપેટીની આગ વચ્ચે શિક્ષકો દેવદૂત બન્યાં, ૪૫૦ વિદ્યાર્થીઓને બચાવ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026  |   1683

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી નગરપ્રાથમિક શાળામાં મીટર પેટીમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જાે કે, શાળાનાં શિક્ષકો અને કર્મચારીઓની સમયસૂચકતા તથા હિંમતને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટના સમયે બિલ્ડિંગમાં હાજર ૪૫૦ વિદ્યાર્થીઓને કોઈ ઈજા વિના સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે શાળામાં અગાઉ યોજાયેલી મોકડ્રિલમાં આપવામાં આવેલી તાલીમ આ કટોકટીના સમયે કામ આવી હતી.

આ સમગ્ર આગની દુર્ઘટનામાં શાળાના આચાર્ય નીશાબેન વાળાએ જણાવ્યું હતું કે ગત શનિવારે જ શાળામાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. આગ લાગે ત્યારે સાયરન વાગે તો વિદ્યાર્થીઓએ કેવી રીતે સાવચેતી રાખવી અને સુરક્ષિત રીતે બહાર નીકળવું તેની તાલીમ આપવામાં આવી હતી. મીટર પેટીમાં આગ લાગ્યાની જાણ થતાં જ શાળાના બિલ્ડિંગમાં સાયરન વગાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મીટર પેટીમાં આગ લાગ્યાની જાણ સૌપ્રથમ મધ્યાહન ભોજનના સ્ટાફને થઈ હતી. ત્યારબાદ કમ્પ્યુટર ઓપરેટર સ્મીત પટેલ અને શિક્ષકો મનોહર જળોદર તથા ભરત લખાણીએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. એક તરફ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તો બીજી તરફ શાળામાં ઉપલબ્ધ ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આચાર્ય દ્વારા ફાયર વિભાગ અને વીજ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. શાળાના સ્ટાફે ગભરાટમાં આવ્યા વિના તાલીમ મુજબ પગલાં લેતાં તમામ ૪૫૦ વિદ્યાર્થીઓને સમયસર સલામત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગનાં વાહનો પહોંચે તે પહેલાં જ કર્મચારીઓએ પરિસ્થિતિ સંભાળવા પ્રયાસો કર્યા હતા. આ ઘટના શાળાઓમાં યોજાતી મોકડ્રીલનું મહત્ત્વ સમજાવે છે. આગ જેવી કટોકટીમાં ગભરાટને બદલે તાલીમ મુજબ કામગીરી કરવામાં આવે તો જાનહાનિનું જાેખમ ઘટાડી શકાય છે. અમરોલીની શાળામાં શિક્ષકો અને કર્મચારીઓની સતર્કતાએ આ વાત સાબિત કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution