વલસાડમાંથી ૯૪.૮૬ લાખનાં પરપ્રાંતીય દારૂ સાથે ટેમ્પો ઝડપાયો, ચાલક ફરાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓક્ટોબર 2026  |   1782

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે નેશનલ હાઇવે નંબર ૪૮ પર પારનેરા ચણવઇ ઓવરબ્રિજ પાસે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે વાહન અને દારૂ મળીને કુલ રૂ. ૧,૦૪, ૮૬,૩૩૬નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે ચાલક ભાગી છૂટવમાં સફળ થયો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચનાથી એલ.સી.બી. વલસાડના પો.સ.ઈ. જે.બી. ધનેશા તથા તેમની ટીમ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓને ઝડપી પાડવા સઘન પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો. દશરથ જગદીશભાઈ તથા આ.પો.કો. વિવેક ઘનશ્યામભાઈને ચોક્કસ અને સંયુક્ત બાતમી મળી હતી કે, મુંબઈ તરફથી સુરત તરફ મરૂન કલરના બંધ બોડીના ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન પારનેરા, ચણવઈ ઓવરબ્રિજના ઉત્તર છેડે નેશનલ હાઈવે નંબર-૪૮ પર મુંબઈથી સુરત તરફ જતા સવિર્સ રોડ ઉપર શંકાસ્પદ મરૂન કલરનો બંધ બોડી ટાટા આઈશર ટેમ્પો અટકાવવામાં આવ્યો હતો. પોલીસે વાહનની તલાશી લેતાં અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કુલ ૧,૦૨૪ બોક્સમાં ૪૯,૧૫૨ બોટલ, કુલ ૮,૮૪૭.૩૬૦ લીટર વિદેશી દારૂ, જેની કિંમત રૂ.૯૪,૮૬,૩૩૬, તેમજ રૂ.૧૦ લાખનો મરૂન કલરનો બંધ બોડી ટાટા ટેમ્પો મળી કુલ રૂ.૧,૦૪,૮૬,૩૩૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસને જોઈને ટેમ્પોનો ચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અ.પો.કો. દશરથ જગદીશભાઈએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરિયાદ નોંધાવી છે. કબજે કરાયેલો રૂ.૧.૦૪ કરોડથી વધુનો મુદ્દામાલ તથા ટેમ્પો આગળની કાયદેસરની કાર્યવાહી માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. હાલ વલસાડ રૂરલ પોલીસ દ્વારા ફરાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution