ખાડીપૂર વખતે અસરગ્રસ્તોને ૧૯ દિવસ ભોજન આપવાનો ખર્ચ ૬૦ લાખ રૂપિયા થયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓક્ટોબર 2026  |   1980

સુરત શહેરમાં જુલાઈ મહિનામાં માત્ર ૨૫ દિવસનાં ગાળામાં ત્રણ વખત ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન લિંબાયત ઝોનનાં અનેક વિસ્તારોમાં ખાડીનાં પાણી ફરી વળતાં સેંકડો પરિવારોને ઘર છોડીને રાહત કેન્દ્રોમાં આશરો લેવાની ફરજ પડી હતી. ત્રણેય પૂર દરમિયાન અલગ-અલગ સમયગાળામાં કુલ ૧૯ દિવસ સુધી અસરગ્રસ્તોને રાહત કેન્દ્રોમાં રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પૂરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા પાછળ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા અંદાજે ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં હવે આ ખર્ચ ચર્ચાનો વિષય બન્યો છે.

જુલાઈ મહિનામાં ૭ જુલાઈએ ભારે વરસાદને પગલે મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ત્યારબાદ ૨૨ જુલાઈએ ફરી પૂરની પરિસ્થિત સર્જાઈ હતી અને ત્યારબાદ ફરીથી ૩૧ જુલાઈએ ખાડીનાં પાણી રહેણાક વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક પરિવારો પ્રભાવિત થયા હતા. આ ત્રણેય વખત લિંબાયત ઝોનમાં રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્ત પરિવારો માટે કુલ ૧૦ રાહત કેન્દ્રોમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલિકા દ્વારા રાહત કેન્દ્રોમાં આશરો લેનારા લોકોને પૂરી-શાક, વઘારેલી ખીચડી અને સૂકો નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ભોજન વ્યવસ્થા પાછળ અંદાજે ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ખર્ચ અંગેની દરખાસ્ત શાસકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. જાેકે આ દરખાસ્તમાં કોઈપણ જગ્યાએ અસરગ્રસ્તોની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવેલ ફૂડ પેકેટની સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ખાડીપૂરની આફત દરમિયાન પાલિકાના તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને દાતાઓ પણ અસરગ્રસ્તોની મદદે આવ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવા ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને તૈયાર ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ વ્યાપક પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા ૧૯ દિવસમાં ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution