સફાઈ દરમિયાન ગટરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026  |   1881

શહેરના ઓઢવ-સિંગરવા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી મર્મભેદક ઘટના સામે આવી છે. ઓઢવ-સિંગરવા સ્થિત ગુજરાત વેપારી મહામંડળના પ્લોટ નંબર ૧૬૪ ની બાજુમાં આવેલી ગટરની સફાઈ દરમિયાન એક તાજું જન્મેલું આશરે ૫ થી ૬ માસનું મૃત સ્ત્રી બાળક (ભ્રૂણ) મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. પોતાના અકૃત્ય અને ગેરકાયદેસર જન્મ છુપાવવાના ઈરાદાથી ર્નિદયી માતા દ્વારા માસુમ બાળકના મૃતદેહને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, વસ્ત્રાલ ખાતે રહેતા અને ગુજરાત વેપારી મહામંડળમાં એડમિન તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ભીખાભાઈ પટેલે આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે આશરે ૧૧:૩૦ વાગ્યાના સુમારે ગુજરાત વેપારી મહામંડળના પ્લોટ નંબર ૧૬૪ પાસે આવેલ ગટરની સફાઈ કામગીરી ચાલી રહી હતી. તે સમયે ગટરમાંથી મૃત હાલતમાં માસુમ સ્ત્રી ભ્રૂણ મળી આવ્યું હતું. આ અંગે મહામંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પરીખે સંજયભાઈને ટેલિફોનિક જાણ કરતાં તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને ઓઢવ પોલીસને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઓઢવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈ અજાણી સ્ત્રી પોતાના પાપ કે જન્મ છુપાવવાના ઈરાદાથી જન્મેલા બાળકના મૃતદેહને ગટરમાં મુકીને નાસી છૂટી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્લું પડ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution