લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2026 |
1782
શહેરનાં અડાજણ વિસ્તારમાં આવેલી આઇએન ટેકરાવાળા સ્કુલ પાસે ગઈ કાલે રાત્રે કાળા રંગની સ્કોર્પિયો કારનાં ચાલકે કાબુ ગુમાવી રસ્તા પર પાર્ક કરેલાં ૧૫ જેટલાં વાહનોને અડફટે લેતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ વાહન માલિકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ કાર ચાલકને સ્થળ પરથી ભાગવા દીધો ન હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની પણ દોડી આવી હતી અને કાર સાથે ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. કાર ચાલક દારૂના નશામાં હોવાનું અને ભાજપનાં મહિલા નેતાનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે.
અડાજણ વિસ્તારમાં આવેલી આઈએન ટેકરાવાળા સ્કુલની બાજુમાં લૂટો ક્રીએશન પાસે ગત રાત્રે ૧૨થી ૧૨.૪૦ વાગ્યાના અરસામાં કાળા રંગની સ્કોર્પિયો કાર લઈને પસાર થઈ રહેલા ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલાં વાહનોને એક પછી એક ટક્કર મારતાં અનેક વાહનોને નુકસાન થયું હતું. સ્કોર્પિયોની ટક્કરથી એક્ટિવા,એક્સેસ અને બર્ગમેન સહિતનાં ૧૫ થી વધુ વાહનો ક્ષતિગ્રસ્ત થતાં વાહન માલિકો દોડી આવ્યા હતા. એક સાથે અનેક વાહનોને નુકસાન થતાં સ્થળ પર લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. બનાવને પગલે સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે કાર કાર ચાલક સ્થળ પરથી ભાગી છૂટે તે પહેલા જ લોકોએ ૧૧૨ને કોલ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિઓ કબ્જે લઈને કાર ચાલક યશ રાઠોડની અટક કરી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં યશની માતા ઓલપાડ ખાતે તાલુકા પંચાયતમાં સભ્ય હોવાનું સામે આવ્યું છે.
અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે કાર ચાલક ૨૩ વર્ષીય યશ અતુલ રાઠોડ ( રહે -મોટા હળપતિવાસ, ઓલપાડ )ની અટકાયત કરવામાં આવી હતી અને તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આરોપી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.