લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026 |
2079
દર વર્ષે સુરત શહેરને ધમરોળી નાંખનાર ખાડીપૂરનાં સંકટનો સામનો માત્ર ૧૫ દિવસમાં જ ફરી એકવાર સુરત શહેરનાં લોકોએ કરવાનો વારો આવ્યો છે. સાતમી જુલાઇએ મીઠીખાડી સહિતની અન્ય ખાડીઓનાં પાણી શહેરી વિસ્તારમાં ફરી વળતાં લોકોનાં ઘરોમાં તેમજ વેપારીઓની દુકાનોમાં લાખો રૂપિયાનું નુક્સાન થયું હતું. દર વર્ષે માત્ર હાઇલેવલ મીટિંગો સિવાય કોઇ નક્કર કામગીરી નહીં થતી હોવાથી શહેરીજનોએ સહન કરવું પડી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૂલાકાતનાં પખવાડિયા પછી સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીપૂરને કારણે શહેરીજનો સંકટમાં મૂકાઇ ગયાં હતાં. મીઠીખાડીમાં શહેરી વિસ્તારો સહિત પલસાણા, કડોદરા અને કામરેજ તરફનાં વરસાદી પાણી ઠલવાય છે જેમાં પલસાણામાં આજે બુધવારે સવારે ૮થી ૧૦ દરમિયાન ત્રણ ઇંચ સહિત ૧૨ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય બારડોલીમાં આજે ૧૨ કલાકમાં સાડાપાંચ ઇંચ, સુરત શહેરમાં આજે સવારે ૬થી સાંજે ૬ વાગ્યાં સુધીમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
સુરત શહેરમાં આજે સવારે છથી સાંજનાં છ વાગ્યા સુધીમાં બુધવારે સૌથી વધારે ત્રણ ઇંચ વરસાદ ઉધના ઝોન વિસ્તારમાં અને લિંબાયતમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન સતત વરસાદ વરસતો રહ્યો પરંતુ તેની ઇન્ટેન્સિટી એટલી બધી ન હતી તેમ છતાં ખાડીપૂરનાં પાણી લિંબાયત વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં ફરી વળ્યાં તે આશ્ચર્યની બાબત છે. વરસાદી પાણીનો યોગ્ય અને ઝડપી નિકાલ થતો નથી અને ખાડીઓની કેરિંગ કેપેસિટી ઘટી ગઇ હોવાથી જ ખાડીપૂરનું સંકટ આવે છે તે વાત ફરી એકવાર સાબિત થઇ ગઇ છે.
સુરત શહેરમાં પડી રહેલા વરસાદ બાદ બુધવારે રાત્રે ૧૧થી મળસ્કે ૪ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ, ફાયરબ્રિગેડ તથા પોલીસ સહિતની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળતા રાત્રે હજુ પણ ખાડીની સપાટી વધવાથી ઘરોમાં પાણી ઘૂસી જવાની શક્યતાઓ હોવાથી લોકોને જરૂરી સૂચના આપી યોગ્ય સ્થળે સ્થળાંતર કરવા માટે જણાવવામાં આવ્યું છે.
સુરત શહેરમાં પહેલા તાપીપુરના કારણે લોકો હેરાન પરેશાન હતા પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સુરત શહેરમાં દર વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સુરત શહેરમાં આ વખતે પહેલા વરસાદમાં જ આવેલા ખાડી પૂરને કારણે લાખો લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને અનેક વેપારીઓ પણ પાયમાલ થઈ ગયા હતા ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભારે માછલા ધોવાયા બાદ આ વખતે પાલિકા દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં એક તરફ ધીમી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ ખાડીની સપાટીમાં નોંધપાત્ર વધારો થતા સુરત શહેરમાં ફરી એકવાર ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ગઈકાલે પણ ભેદવાડ ખાડી ઓવર ફ્લો થઈ ગયા બાદ આજે ફરીથી ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ જવા પામી છે. એટલું જ નહીં પરંતુ મીઠી ખાડી પણ ભયજનક સપાટી કરતાં માત્ર એક મીટર નીચે હોવા છતાં મીઠી ખાડીના કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે સીમાડા ખાડી પણ ભયજનક સપાટી કરતાં માત્ર અડધો મીટર નીચે વહી રહી છે. જ્યારે ભેદવાડ ખાડી પણ ભયજનક સપાટીની નજીક વહી રહી છે.
ભારે વરસાદને પગલે સુરતની શાળાઓમાં રજા જાહેર કરાઇ
સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએથી મળેલી સૂચના અનુસાર તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ છે, ત્યાં આવેલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ આંગણવાડીઓમાં રજા રાખવા સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં સવારની પાળીની શાળાઓમાં એક કલાક વહેલા રજા આપવામાં આપવામાં આવી હતી , જ્યારે બપોરની પાળીની શાળાઓ પણ સંપૂર્ણપણે બંધ રાખવા ર્નિણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ તંત્રે તમામ સંચાલકો અને આચાર્યોને આ સૂચનાનું કડક પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને અવરજવરમાં કોઈ મુશ્કેલી કે જાેખમ ન સર્જાય તે માટે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
શહેરનાં વિવિધ રસ્તાઓ પર ખાડીનાં પાણી ફરી વળ્યાં
મીઠીખાડી ભયજનક સપાટી સુધી પહોંચી પણ ન હતી ત્યાં જ અનેક મીઠીખાડીની આસપાસના વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. ગોડાદરા ખાતે આવેલ પુણા પાટિયાથી મહારાણા પ્રતાપ તરફ જતા મુખ્ય રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત સારોલી વિસ્તારમાં ભરાયેલા પાણી કુંભારિયા મેઇન રોડ ઉપર ફરી મળતા ત્યાં પણ વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ સિવાય લિંબાયત, ડિંડોલી, ઉધના તથા પાંડેસરા અને ભેસ્તાન સહિતના અનેક વિસ્તારોમાં પણ પાણી રસ્તા પર ફરી વળ્યાં હતા. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં લોકો અટવાયા હતા.