નાસીરનગરના અસરકર્તાઓને મકાન આપવાની ખાતરી આપ્યા પછી મનપાની પાછીપાની ચલાવી નહીં લેવાય: હાઇકોર્ટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026  |   2079

નાસિરનગરનાં સ્પોર્ન્સર્ડ ગેરકાયદે ડીમોલિશનકાંડમાં સુરત મહાનગર પાલિકાને આજે ફરી એકવાર હાઇકોર્ટની ફટકાર પડી હતી. મકાનો ગુમાવનાર અસરકર્તાઓને મકાનો ફાળવવામાં કેન્દ્ર સરકારની યોજનાનું તૂત ઉભુ કરનાર સુરત મહાનગર પાલિકાની હાઇકોર્ટે સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, અસરગ્રસ્તોને મકાનો આપવાની હાઇકોર્ટમાં એકવાર ખાતરી આપ્યા પછી પાછીપાની કરવાનું સુરત મહાનગર પાલિકાનું વલણ કોઇ કાળે ચલાવી લેવાશે નહીં. નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશનની તપાસ માટે સરકાર દ્વારા નીમાયેલી હાઇલેવલ કમિટીની તપાસ ૬૦ દિવસમાં પૂર્ણ નહીં થઇ હોવાથી કમિટીએ વધારાનો સમય માગ્યો હોવાનું પણ સરકારી વકિલે હાઇકોર્ટને જણાવ્યું હતું.

નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશન કાંડમાં અત્યારસુધીમાં ત્રણથી ચાર એફિડેવિટ કરી ચૂકેલાં મહાનગર પાલિકાનાં સત્તાધીશો દર વખતે એફિડેવિટમાં નવી નવી સ્કીમ રજૂ કરતાં હોવાથી હાઇકોર્ટે આજે આકરૂં વલણ અપનાવ્યું હતું. સુરત મહાનગર પાલિકાનાં કમિશનર રાજકુમાર બેનિવાલ આજે ગાંધીનગર જ ગયા હતાં પરંતુ હાઇકોર્ટમાં ઉપસ્થિત નહીં હોવાથી જસ્ટિસ કારિયાલે આગામી સુનાવણી વેળા કમિશનરને ઉપસ્થિત રહેવા આદેશ આપ્યો હતો કે જેથી તેમને પણ ખબર પડે કે હાઇકોર્ટમાં શું થાય છે. માત્ર કમિશનર જ નહીં પરંતુ સુરત મહાનગર પાલિકાની ચૂંટાયેલી પાંખનાં જવાબદાર-સ્થાયી સમિતિ અધ્યક્ષને પણ આગામી સુનાવણી વખતે હાજર રાખવાનો આગ્રહ સેવ્યો હતો.

નાસિરનગર ડીમોલિશનકાંડની સુનાવણીમાં આજે સુરત મહાનગર પાલિકા તરફે દલીલ કરતાં જણાવાયું હતું કે, અસરગ્રસ્તોને મકાનો ફાળવવાની તૈયારી છે પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકારની યોજનાનો હવાલો ટાંકવામાં આવતાં હાઇકોર્ટે તે બાબતની ગંભીર નોંધ લેતાં કહ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાની જવાબદારી કેન્દ્રની સ્કીમ ઉપર નાંખો છો, સુરત મહાનગર પાલિકાનાં કમિશનરે અસરગ્રસ્તોને મકાનો ફાળવવા બાબતે એકવાર હાઇકોર્ટમાં ખાતરી આપી છે અને હવે તેમાંથી પાછીપાની કરવામાં આવે છે તે ચલાવી લેવાશે નહીં. મહાનગર પાલિકા હવે પોતાનું વલણ બદલી રહી છે. સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓએ ગેરકાયદે ડીમોલિશન કરીને ખોટું કામ કર્યું છે તેથી મકાનો ફાળવવાની જવાબદારી તેમની અને મહાનગર પાલિકાની છે ત્યારે હવે રાજ્ય-કેન્દ્રની સ્કીમની વાત લાવવામાં આવે છે. મકાનો આપવાનાં છે તે પ્રાથમિકતા છે અને જેમણે ખોટું કર્યું છે તેમની પાસેથી રૂપિયા રીકવર કરો તેમ હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. મકાનો ફાળવવાનાં છે તે વાત નક્કી છે, સુરત મહાનગર પાલિકા કંઇ સામાન્ય નગરપાલિકા નથી, તેમની પાસે ઘણું ફંડ છે તેથી જવાબદારીમાંથી છટકી શકે નહીં. અસરગ્રસ્તોને મકાનો આપવા કે કોમ્પેન્સેશન આપવું તે મહાનગર પાલિકાનો પ્રશ્ન છે. અસરગ્રસ્તો બિલ્ડરની ખાનગી જગ્યામાં ગેરકાયદે વસવાટ કરતાં હોવાનો ઉલ્લેખ સાંભળીને હાઇકોર્ટે ફટકાર લગાવતાં કહ્યું હતું કે, કોઇ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કર્યાં વિના ગેરકાયદે ડીમોલિશન કરી નાંખ્યું અને હવે ગેરકાયદે વસવાટ કરતાં હોવાની વાત પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે જે ખોટું છે. મહાનગર પાલિકાએ મકાનો ફાળવવા છે કે નહીં તે વલણ નક્કી કરો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution