/
રાવપુરા પોલીસનું અમાનવીય વલણ દસ માસનું બાળક લઈ માતા રઝળી રહી છે

વડોદરા, તા.૨૧

મિત્ર પાસેથી હાથઉછીના લીધેલા પાંચ હજાર પૈકી ચાર હજાર પરત આપી દીધા બાદ રહેલ એક હજાર માટે મિત્ર સયાજી હોસ્પિટલમાં પૈસા લેવા જવાના બહાને બાઈક લઈને રફુચક્કર થઈ ગયા બાદ મહિલાએ આ મામલે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરતાં આજે ફરિયાદી મહિલા તેના બે નાના સંતાનો લઈને પોલીસ મથકે આવી પહોંચી હતી, જ્યાં પોલીસની બાઈક લઈને ફરાર થયેલ વ્યક્તિ સાથે મિલીભગતને કારણે તપાસ કે વ્યક્તિની ધરપકડ કે બાઈક પરત અપાવવા માટે ઠાગાઠૈયાં કરતાં હોવાના આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

ભોગ બનનાર મહિલા ભૂમિકાબેન પરમારના જણાવ્યા મુજબ તેણીની આજવા રોડ સ્થિત મોરારી બાપુ નગરમાં તેણીના પતિ મેહુલભાઈ સાથે રહે છે. પતિ મેહુલ પરમાર સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા અને ક્વાંટના વાંકાનેર તરફ રહેતો મુકેશ રાઠવા પાસેથી હાથઉછીના રૂા.પ હજાર લીધા હતા, તે બાદ ૪ હજાર પરત ચૂકવી દીધા હતા, જ્યારે ૧ હજાર બાકી હોવાથી મુકેશ રાઠવા ઉઘરાણી કરતો હતો. જેથી મેહુલભાઈએ ઉપાડેલા પીએમના નાણાં આવે એટલે રૂા.૧ હજાર આપવાની વાત કરી હતી. એ દરમિયાન મુકેશ રાઠવા ગત તા.ર૬મીના રોજ મિત્ર પાસે પૈસા લેવા જઉં છું તેમ જણાવી મેહુલ પરમારની બાઈક લઈને ફરાર થઈ ગયો હતો, જે આજદિન સુધી બાઈક પર આપવા ન આવતાં મેહુલભાઈ અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી મેહુલ પરમારે ઝેરી દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. આ બાબતે પત્ની ભૂમિકાબેન રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં, જ્યાં જમાદારે ફરિયાદ નોંધાવવાની આનાકાની કરી મુકેશ રાઠવાની તરફદારી કરતા હોવાથી ફરિયાદી ભૂમિકાબેનને પોલીસ મથકે ધક્કા ખવડાવતાં તેણીની નાના બાળકોને લઈને રજૂઆત કરવા રાવપુરા પોલીસ મથકે આવી પહોંચી હતી. જ્યાં ફરિયાદ નોંધનાર પોલીસ કર્મચારી મુકેશ રાઠવાના ગામ તરફના હોવાથી તેને છાવરી રહ્યા હોવાના આક્ષેપો કરી રોષની લાગણી સાથે પોલીસની તપાસ સામે આંગળી ચીંધતાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આમ રાવપુરા પોલીસ વધુ એકવાર તપાસની બાબતે વિવાદમાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution