વડોદરા : વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં આવેલ કોવિડ - ૧૯ કેર સેન્ટરના પ્રથમ માળે આજે મોડી સાંજે આઇસોલેશનના આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેટરમાં એકાએક શોર્ટસર્કિટ થવાના કારણે આગનો બનાવ બન્યો હતો. આગના બનાવને કારણે આઇસોલેશ વોર્ડમાં દાખલ દર્દીના જીવ તાળવે ચોંટી ગયા હતાં અને જીવ બચાવવા માટે બુમા-બુમા તેમજ ચીસા ચીસ સાથે ભાગદોડ મચી જવા પામી હતી. જાેકે આ બનાવ બન્યો એ સમયે હાજર કેટલાક સિક્યુરીટી જવાનો તથા સ્ટાફ કર્મચારીઓ કોવિડના પ્રથમ માળે દોડી ગયા હતાં અને દર્દીઓને બચાવવા સાથે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતાં. જાેકે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવા સાથે બચાવની કામગીરી હાથ ધરી હતી. જાેકે બનાવમાં કોઇ જાનહાનિ થયાના કોઇ સમાચાર ન હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી. જાેકે દાખલ દર્દીઓને તાત્કાલિક અસરથી ગોત્રી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ કોરોનાની ચાલી રહેલી વૈશ્વિક મહામારી અંતર્ગત વડોદરા શહેરમાં આવેલ સરકારી સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે કોવિડ- ૧૯ સેન્ટર આઇશોલેશનના વોર્ડ સહિત સત્તાધીશો દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે. કોવિડ સેન્ટરના પ્રથમ માળે આવેલ આઇસોલેશનના આઇ.સી.યુ. વોર્ડમાં દાખલ કોરોના દર્દીઓની રાબેતા મુજબ સારવાર ચાલી રહી હતી એ દરમિયાન આજે મોડી સાંજે સાત - સાડાસાત વાગ્યાની આસપાસ આઇ.સી.યુ.-૧ યુનિટમાં ચારથી પાંચ વેન્ટીલેટરો પૈકી એક વેન્ટીલેટરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. આગના કારણે સારવાર લઇ રહેલા દર્દીઓ જેને સ્થિતિમાં જીવ બચાવવા માટે ભાગદોડ સાથે બુમાબુમ કરી મુકતાં વાતાવરણ ગંભીર બન્યું હતું. જાેકે આગના બનાવ સમયે ફાયર એલારામ સિસ્ટમનું સાઇરલ ગુંજી ઉઠતાં ફરજ પરના સિક્યુરીટી જવાનો તથા અન્ય કર્મચારી સ્ટાફ, તબિબો તથા નર્સ્િંાગ સ્ટાફ પ્રથમ માળે દોડી ગયો હતો. અને સેફ્ટીના સાધનો સાથે પહોંચી આઇ.સી.યુ.માં ફસાયેલા દર્દીઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.  

જાેકે આગના બનાવની જાણ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયર, નોડલ અધિકારી ડો.બેલીમ એડવાઇઝર કમિટીના ડો.મીનું પટેલ સહિત મેયર ડો.જીગીશાબેન શેઠ, સાંસદ રંજનબેન ભટ્ટ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં.

 ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વોર્ડમાં ઘેરાયેલા ધૂમાડાને બહાર કાઢી મોટાભાગના દર્દીઓને બચાવી લેવામાં આવ્યા હતાં. જાેકે નસીબજાેગ આગના બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી ન હોવાથી હોસ્પિટલના તંત્રએ રાહત અનુભવી હતી. બીજી તરફ ક્રિટીકલ કોરોનાના દર્દીઓને તાત્કાલિક અસરથી ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં.

 પાંચ દિવસ પૂર્વેજ કોવિડ કેર સેન્ટરમાં મોકડ્રીલ યોજાઈ હતી

વડોદરા ઃ અમદાવાદ ની ખાનગી શ્રેય હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બનેલા આગના બનાવ બાદ સક્રિય બનેલા તંત્રે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના સ્ટાફના કર્મચારીઓની સતર્કતા તેમજ આપતકાલીન દરમિયાન કામગીરીની ચકાસણી હેતુ તા.૩જી સપ્ટેમ્બરે આગ લાગ્યાની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ સાથે સરકારી હોસ્પિટલમાં સેફટીના સાધનોની ચકાસણી તેમજ હોસ્પિટલના કેટલાક કર્મચારીઓને ફાયર સેફટીના સાધનો ચલાવવા માટે વિસ્તૃત માહિતી તેમજ ટ્રેનિંગ આપવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા હોસ્પિટલના મુખ્ય કોવિડ સેન્ટર ખાતે આગ લાગ્યાનું મોકડ્રીલ યોજાયું હતું. ઉપરાંત આગના તેમજ આપતકાલીન સમયે કેવા પ્રકારની બચાવની કામગીરી તેમજ તાત્કાલિક સમયે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.

દર્દીઓને વોર્ડની બહાર ખસેડાયા

આઇસીયુના કોવિડ કેર સેન્ટરના આઇસીયુમાં લાગેલી આગને પગલે તુરત દર્દીઓને બેડ પર કે સ્ટ્રેચર પર વોર્ડની બહાર ખસેડવામાં આવ્યા હતા. અને તત્કાલિક સારવાર પાસે સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પાસે સર્કલની પાળી પર, બેડ પર અને સ્ટ્રેચર પર સુવડાવી તબીબો અને સ્ટાફ દ્વારા સતત સારવાર જારી રાખવામાં આવી હતી. આમ વોર્ડની બહાર જ સારવાર જારી રાખવામાં આવી હતી.

આગના બનાવના સમાચાર વાયુવેગે પ્રસરી જતા દર્દીના સ્વજનો હોસ્પિટલમાં દોડી આવ્યા

સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ લાગવાના બનાવના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી જતા હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓના સ્વજનોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં અને તેઓ પણ પોતાના સ્વજનોને બચાવવા સેફ્ટીના સાધનો વાગર દોડી ગયા હતાં. જાેકે વોર્ડમાં ઇલેક્ટ્રીક સપ્લાય બંધ થઇ ગયો હોવાથી ભારે અફડા તફડી મચી ગઇ હતી.

નર્મદામંત્રીએ ગાંધીનગરથી સતત મોનીટરીંગ કર્યું

સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના આઇ.સી.યુ.માં આગના બનાવની જાણ થતા નર્મદામંત્રી યોગેશ પટેલે ગાંધીનગરથી સમગ્ર ઘટનાનું મોનીટરીંગ કરીને કલેક્ટર, ઓ.એસ.ડી. મેયર સહિતને ફોન કરીને ઘટના સ્થળે પહોંચવા સૂચના આપી હતી. અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે પણ ફોન પર ચર્ચા કરી હતી. અને સમગ્ર ઘટના અંગે જરૂરી સૂચના આપી સતત છેક છેલ્લે સુધી મોનીટરીંગ કર્યું હતું.

અમદાવાદમાં ૬ ઓગષ્ટે આગ લાગતાં ૮ દર્દીના મોત થયા હતા

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં તા.૬ ઓગષ્ટે આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ પુરુષો અને ૩ મહિલા મળીને ૮ દર્દીના મોત નીપજ્યા હતા. હોસ્પિટલના ચોથા માળે આગ લાગતા અફરાતફરી મચી હતી. જ્યારે તા.૨૫મી ઓગષ્ટે જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિકલ આઇ.સી.યુ. વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં હોસ્પિટલના આઇ.સી.યુ. વિભાગમા ૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. સ્થાનિકોએ સારવાર લઇ રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા. આજે એસ.એસ.જી.ના કોવિડ કેર સેન્ટરના આઇ.સી.યુ.માં આગ દર્દીઓ તેમના સ્વજનોમાં દોડધામ મચી હતી.