પંચમહાલ-

કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉન બાદ અનલોકમાં કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર ધાર્મિક સ્થળો તેમજ ફરવાના સ્થળો ખોલવાની મંજુરી આપી છે. જો કે આ માટે કેટલીક મહત્વની ગાઇડલાઇન પણ આપવામાં આવી હતી. જેમાં સામાજિક અંતર રાખવું, મંદિરમાં ભીડ એકત્ર ન કરવી અને સેનિટાઇઝેશન કરવુ, શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. પણ અનલોક બાદ મંદિરોમાં એકત્ર થતી ભીડને કારણે તંત્રની ચિંતા સતત વધી છે. જેમાં હજારો લોકો સામાજિક અંતર વિના માસ્ક પહેર્યા વિના મંદિર તરફ જઇ રહ્યા છે. એવામાં ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રિમાં પાવાગઢ મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી છે. આ નવરાત્રિએ યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. 16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શન કરી શકાશે. તો બીજી તરફ, નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઇડીથી વર્ચ્યુઅલ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 

રજાના દિવસે બહાર આવતા લોકોની ભીડ સતત વઘી રહી છે. અને તેમને અહીંયા આવતા રોકવા અઘરા છે. કોરોનાની સ્થિતીમાં ભીડ ભેગી થવી તે ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં નવરાત્રિમાં માટે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.