21, એપ્રીલ 2025
ઇન્ડોનેશિયા |
સેરામ ટાપુ પર ૫.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ
૨૧ એપ્રિલ ૨૦૨૫, સોમવારના રોજ ઈન્ડોનેશિયાના સેરામ ટાપુ પર ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. ઊંડાઈને કારણે આંચકા જાેરદાર અનુભવાયા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપ સુલાવેસીનાસેરામ ટાપુ પર કોટામોબાગુથી દક્ષિણપૂર્વમાં રાત્રે ૧૧:૫૦ વાગ્યે આવ્યો હતો.
ઇન્ડોનેશિયાના ભૂંકપના આંચકા ઉત્તર ભારતમાં અનુભવાયા
બે દિવસ પહેલાં ૧૯ એપ્રિલ ૨૦૨૫, શનિવારે બપોરે ૧૨:૧૮ વાગ્યે દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભારતના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં જમીનથી ૧૩૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ નોંધાઈ હતી. કેન્દ્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવે ત્યારે તેના આંચકા દિલ્હી અને ઉત્તર ભારતમાં અનુભવાય છે. ભૂકંપનું કેન્દ્ર ઊંડું હોવાથી દિલ્હીમાં તેની અસર નજીવી રહી અને માત્ર હળવા આંચકા લાગ્યા.
વિશ્વના ૯૦ ટકા ભૂકંપ રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવે છે
ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના કિનારે આવેલું છે અને ભૂકંપ અને જ્વાળામુખી ગતિવિધિઓની દૃષ્ટિએ વિશ્વના સૌથી જાેખમી પ્રદેશો પૈકીનું એક છે. આ વિસ્તાર ‘રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખાય છે, જે પેસિફિક ટેક્ટોનિક પ્લેટની સીમાઓ સાથે જાેડાયેલો છે. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના અહેવાલ અનુસાર, વિશ્વના ૯૦ ટકા ભૂકંપ આ રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવે છે. જે વિશ્વના ૭૫ ટકા સક્રિય જ્વાળામુખીઓનું ઘર છે અને ૮૧ ટકા મોટા ભૂકંપોનું કેન્દ્ર છે. પ્રદેશમાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે ભૂગર્ભમાં સતત ગતિવિધિઓ થતી રહે છે, જે ભૂકંપ અને ક્યારેક સુનામીનું કારણ બને છે. ઈન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપે ફરી એકવાર આ પ્રદેશની ભૂસ્તરશાસ્ત્રીય અસ્થિરતાને પ્રકાશિત કરી છે.
સેરામ ટાપુ પર નુકશાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરાઇ
સેરામ ટાપુ પર આવેલા ભૂકંપની તીવ્રતા ૫.૫ હોવા છતાં, તેનું કેન્દ્ર નજીકની સપાટીએ હોવાથી આંચકા વધુ તીવ્ર લાગ્યા. સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું, અને લોકોને શાંતિ જાળવવા અને સલામત સ્થળોએ રહેવાની સૂચના આપી. ઈન્ડોનેશિયાની ભૂકંપની આગાહી અને ચેતવણી પ્રણાલીએ આ ઘટનાને ઝડપથી નોંધી, જેનાથી સુનામીની સંભાવનાને નકારી કાઢવામાં આવી. ઘટનાએ ભૂકંપ-સંવેદનશીલ વિસ્તારોમાં આધુનિક ચેતવણી પ્રણાલીઓ અને બાંધકામ ધોરણોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.