જેઠાણી સાથે ભાગેલા પ્રેમીએ દેરાણી અને નણંદના બીભત્સ ફોટા વાયરલ કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   2970

શહેરના વટવા વિસ્તારમાં જેઠાણી સાથે ભાગી ગયેલા પ્રેમીએ દેરાણી અને નણંદને સમાજમાં બદનામ કરવાના બદઈરાદાથી તેમના મોર્ફ કરેલા બીભત્સ ફોટા અને રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ પર વાયરલ કર્યા હતા. આ હલકી સતામણીથી કંટાળીને પીડિત મહિલાએ આખરે હિંમત દાખવીને વટવા પોલીસ સ્ટેશનમાં આરોપી લખન પ્રજાપતિ વિરુદ્ધ નામજાેગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મણિનગરમાં રહેતી પરિણીતાના પતિએ અચાનક પત્નીનો મોબાઈલ ચેક કરતાં આ આખા કાવતરાનો પર્દાફાશ થયો હતો. મહિલાના મોબાઈલ પર અજાણ્યા નંબરો પરથી અન્ય અજાણ્યા શખ્સ સાથેના તેના મોર્ફ કરેલા અત્યંત અશ્લીલ અને બીભત્સ ફોટા મોકલવામાં આવ્યા હતા. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર દેરાણી તેમજ નણંદના ફોટાનો દુરુપયોગ કરી બીભત્સ રીલ્સ બનાવી અપલોડ કરી દીધી હતી. અજાણ્યા નંબર પરથી સતત આવી રહેલી અશ્લીલ સામગ્રી જાેઈને સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે જ્યારે આ ગંભીર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ કૃત્ય પાછળ જેઠાણી સાથે અગાઉ ઘર છોડીને ભાગી ગયેલા તેના પ્રેમી લખન પ્રજાપતિનો જ હાથ હતો. આરોપી લખન અવારનવાર સોશિયલ મીડિયા પર આવા બીભત્સ ફોટા અને રીલ્સ અપલોડ કરી મહિલાને માનસિક રીતે ત્રાસ આપતો હતો. આખરે આ નિત્યની હેરાનગતિથી કંટાળી પીડિતાએ પોલીસના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી લખન પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution