ડિમોલિશનની મેટર અત્યંત સંવેદનશીલ છે, અમે આંખો બંધ કરી શકીએ નહીં હાઇકોર્ટ પોલીસ કમિશનરે એફઆઈઆર કેમ દાખલ ના કરી, મનપાના અધિકારી ડિમોલિશન માટે કેમ ગયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026  |   2376

બિલ્ડરનાં લાભાર્થે સુરત મહાનગર પાલિકા દ્વારા નાસિરનગર ખાતે કરવામાં આવેલાં સ્પોન્સર્ડ ડીમોલિશન બાબતે મહાનગર પાલિકા, પોલીસ કમિશનર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમ ભીંસમાં મૂકાય તેવી શક્યતા દેખાઇ રહી છે. રાજ્યની વડી અદાલતમાં અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલી રિટ પીટિશન બાબતે હાઇકોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે. અસરગ્રસ્તોએ લેખિત ફરિયાદ આપી હતી તો આટલા દિવસો સુધી પોલીસ કમિશનરે એફ.આઇ.આર. કેમ દાખલ નથી કરી તેવો તીખો સવાલ પણ હાઇકોર્ટે કર્યો હતો. બીજીતરફ મહાનગર પાલિકાનાં કમિશનર માટે પણ વેધક સવાલ કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, કમિશનર એફિડેવિટ ફાઇલ કરે અને જણાવે કે નાસિરનગરનું ડીમોલિશન સત્તાવાર હતું કે બીનસત્તાવાર હતું, જાે મહાનગર પાલિકાએ ડીમોલિશન ના કર્યું હોય તો તમારા અધિકારીઓ સામે શું પગલાં લીધાં તે પણ એફિડેવિટમાં જણાવો. જાે કે, અસરગ્રસ્તોનાં વકિલે જ્યારે એમ કહ્યું કે, મ્યુનિસિપલ કમિશનરે જાતે ૨૨ દિવસે ડીમોલિશન મહાનગર પાલિકાએ કર્યું હોવાની કબુલાત કરી ત્યારે હાઇકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હાઇકોર્ટે વેધક સવાલ પૂછતાં કહ્યું હતું કે, ડીમોલિશન સત્તાવાર હતું તો જરૂરી પ્રક્રિયાને અનુસરી કેમ નહીં અને સત્તાવાર ન હતું તો મનપાનાં અધિકારીઓએ સત્તાનો દુરૂપયોગ કેમ કર્યો. પ્રથમ દ્રષ્ટિએ આ ડીમોલિશન જરૂરી પ્રક્રિયાને અનુસર્યા વિના કર્યું હોવાનું જણાય છે અથવા તો મહાનગરપાલિકાનાં અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને ડીમોલિશન કર્યું છે.

નાસિરનગરનાં અસરગ્રસ્તોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પીટિશનમાં પોલીસ કમિશનર, ડીસીપી નકુમ તેમજ મહાનગર પાલિકાનાં સત્તાધીશોની સંદિગ્ધ ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યાં હતાં તે સંદર્ભમાં હાઇકોર્ટે કોર્ટે કહ્યું હતું કે, કમિશનર જવાબ આપે કે ડીમોલિશન મહાનગર પાલિકાએ કર્યું છે કે બીજા કોઈએ. જાે ડીમોલિશન સત્તાવાર હોય અને ઓફિશિયલ ફરજ ઉપર ગયા હોય તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ પોલીસ કમિશનરે હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવાની જરૂર નથી પરંતુ ત્યાં અનઓફિશિયલ હાજર હતાં તો આવતી મુદતે તેઓ પણ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં તેવી ટીપ્પણી કરવા સાથે હાઇકોર્ટે કહ્યું હતું કે, મહાનગર પાલિકાએ ડીમોલિશન કર્યું છે તેમ કહીને રાજ્ય સરકાર પણ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાઈકોર્ટે વધુ સુનાવણી સોમવાર ઉપર મુલતવી રાખી છે.

અસરગ્રસ્તોનાં વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ કે પ્રોપર પ્રોસીજર વિના તેમજ રજૂઆતની તક કે પંચનામા વગર સુરતનાં નાસિરનગરમાં મહાનગર પાલિકા દ્વારા ૧૫૦ થી વધુ મકાનો ૩૦ મેનાં રોજ તોડી પાડવામાં આવ્યાં હતાં.

અસરગ્રસ્તોને સેટલ કરવાનાં પ્લાન સાથે સોમવારે હાજર થવા ફરમાન

હાઇકોર્ટનાં જસ્ટિસ ડીમોલિશન બાબતે ખુબ આક્રામક મૂડમાં જણાયાં હતાં. નાસિરનગરનાં ૧૫૦ પરિવારો બેઘર થઇ ગયાં હોવાની દલીલો સાંભળ્યા બાદ તેમણે સુરત મહાનગર પાલિકાનાં એડવોકેટને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, પીટિશન ચાલે ત્યાં સુધી તમામ અસરગ્રસ્તોને ક્યાં શેલ્ટર અપાશે, ક્યાં સેટલ કરવામાં આવશે તેનો ચોક્કસ પ્લાન લઇને સોમવારે આવો.

મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ સહિત ૨૦ને પ્રતિવાદી બનાવાયા

નાસીર નાગર ભૂતિયા ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં થયેલી રિટ પીટીશનમાં મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ સહિત ૨૦ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. સુરત શહેરમાં વેડ રોડ પર આવેલા નાસીર નગરનું ભૂતિયા ડિમોલિશન થયું થયું હતું. જે ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં બે પિટિશન દાખલ થઈ છે. બે પૈકી એક મોહમદ ઇકબાલ અલહુશેન અન્સારી સહિત ૨૬ જેટલા અસરગ્રસ્ત લોકોએ હાઇકોર્ટમાં દાદ માંગતી પિટિશન દાખલ કરી હતી. જે અપીલમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. બીજી તરફ આ અપીલમાં હાઇકોર્ટે મનપા, અધિકારીઓ, પોલીસ કમિશનર, ડીસીપી નકુમ, પીઆઈ સોનારા સહિત ૨૦ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

બિલ્ડર-આર્કિટેક્ટનાં આદેશથી ડીમોલિશન કરાયું હોવાની રજૂઆત

અસરગ્રસ્તોનાં વકિલે હાઇકોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે, બિલ્ડર અને આર્કિટેક્ટનાં આદેશથી ડીમોલિશન કરવામાં આવ્યું હતું. આર્કિટેક્ટ રજનીકાંત ઉપસ્થિત હતાં. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને આર્કિટેક્ટ તેમજ પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર ૦૧ કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોનાં પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડીમોલિશનનાં કાટમાળ નીચે દબાઈ ગયો હતો. કોર્ટે પૂછ્યું હતું કે ૩૦ મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા મનપા કમિશનર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી તો તેઓએ કહ્યું કે, મનપાનો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી.

ડીમોલિશન અંગે મ્યુનિસિપલ કમિશનરનાં જુદા જુદા જવાબો

હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડીમોલિશન સુરત મનપા દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો છો તેનાં જવાબમાં અસરગ્રસ્તોનાં વકીલે જવાબ આપ્યો હતો કે ડીમોલિશન સમયે ઘટના સ્થળે મનપાનાં અધિકારીઓ અને ૨૦થી ૨૫ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે ડીમોલિશન વિશે ખબર નહીં હોવાનો ખુલાસો કર્યો પરંતુ ૨૨ દિવસ પછી તેમણે ડીમોલિશનની કબુલાત કરી હતી. ખુલ્લી જગ્યામાં વર્ષ ૧૯૬૯માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજાે પણ રહેતા આવ્યા છે. અચાનક ૩૦ મેનાં રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડીમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતાં જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડીમોલિશન કરનાર એજન્સી જીસ્ઝ્રની છે. ટોરેન્ટ પાવરે ડીમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution