લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026 |
4851
મધ્ય-પૂર્વમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને સર્જાયેલી અસ્થિરતાની ગંભીર અસરો સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગની સપ્લાય ચેઇન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ચીનથી સુરત આવતું વિસ્કોસ યાર્ન સામાન્ય સ્થિતિમાં આશરે ૩૦થી ૩૫ દિવસમાં મુંબઈ બંદર મારફતે સુરત પહોંચતું હતું, પરંતુ હાલ કન્ટેઇનરનો ટ્રાન્ઝિટ ટાઈમ વધીને ૭૫થી ૯૦ દિવસ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, શિપિંગ અને ટ્રાન્સપોર્ટેશનનાં ખર્ચમાં ભારે ઉછાળો આવ્યો છે અને કેટલાક રૂટ પર ફ્રેઇટ રેટમાં અનેકગણો વધારો નોંધાયો છે. તાજેતરનાં શિપિંગ માર્કેટનાં અહેવાલો પણ ચીનથી ભારતના બંદરો માટે કન્ટેઇનર ફ્રેઇટમાં તીવ્ર વધારો દર્શાવે છે.
સુરત ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં વિસ્કોસ યાર્નનાં મોટા વિક્રેતા અને ઉદ્યોગપતિ દિનેશ ધનકાનીનાં જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં ચીનથી માલ મગાવીને નિયમિત રીતે ગ્રાહકોને સપ્લાય કરવો મુશ્કેલ બની ગયો છે. કન્ટેઇનર પહોંચવામાં બે ગણાથી પણ વધુ સમય લાગી રહ્યો છે અને ટ્રાન્સપોર્ટેશન ચાજિર્સમાં ચાર ગણો વધારો થયો હોવાથી યાર્નનો વેપાર કરવો અત્યંત જોખમી બન્યો છે.
દિનેશ ધનકાનીના જણાવ્યા મુજબ આવી સ્થિતિમાં યાર્નનો ભાવ અગાઉથી નક્કી કરીને વેચાણ કરવું મુશ્કેલ છે. માલ ક્યારે આવશે અને તે સમયે ખર્ચ કેટલો હશે તેની કોઈ નિશ્ચિતતા નથી. તેથી હાલ અમે વિસ્કોસ યાર્નનું વેચાણ બંધ કરવાનો ર્નિણય લીધો છે.
તેમણે જણાવ્યું કે સપ્લાય ચેઇનમાં સૌથી મોટી સમસ્યા માત્ર ફ્રેઇટ રેટ વધવાની નથી પરંતુ ર્વકિંગ કેપિટલ લાંબા સમય સુધી બ્લોક થવાની છે. અગાઉ ૩૦થી ૩૫ દિવસમાં એક શિપમેન્ટનું ટર્નઓવર થઈ જતું હતું. હવે એ જ માલ માટે ૭૫થી ૯૦ દિવસ રાહ જોવી પડે છે. એટલે આયાતકારની મૂડી વધુ સમય માટે અટવાઈ રહે છે અને સાથે વ્યાજનો બોજ પણ વધે છે.
ચીનથી ભારતનાં પશ્ચિમ કિનારે આવતા કન્ટેઇનર માટે ફ્રેઇટ માર્કેટમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં શાંઘાઈથી નાવાશેવા સુધીનાં સ્પોટ રેટમાં જુલાઈની સરખામણીએ લગભગ બમણો વધારો નોંધાયો હોવાનું શિપિંગ માર્કેટના અહેવાલોમાં જણાવાયું છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વનાં સૌથી મહત્વનાં સમુદ્રી માર્ગોમાંનું એક છે. મધ્ય પૂર્વની અસ્થિરતાને કારણે જહાજો અને શિપિંગ કંપનીઓ માટે વોર-રિસ્ક, ઇન્શ્યોરન્સ, રૂટ બદલવા અને લાંબા ટ્રાન્ઝિટ જેવા પડકારો ઊભા થયા છે. ચીનની કેટલીક મોટી શિપિંગ કંપનીઓએ પણ જુલાઈનાં અંતથી હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ જેવા જોખમી માર્ગોથી કામગીરી ઘટાડીને વિકલ્પી વ્યવસ્થા અપનાવી હોવાનાં અહેવાલો છે.