લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026 |
4752
સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની કંપનીમાં કોલ કરી ૨૫ લાખની ખંડણી માગવામાં આવતા ભારે ચકચાર મચી હતી. દોડતી થઇ ગયેલી પોલીસે મોબાઇલ નંબરના આધારે પગેરુ દાબી ધમકી આપનારને દબોચી લીધો હતો. આ કાંડ કરનાર દેવામાં ડૂબેલો પૂર્વ કર્મચારી નીકળતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. વસ્તાદેવડી રોડ ઉપર કિરણ હોસ્પિટલ સામે એસ.આર.કે નામની ડાયમંડ કંપની કાર્યરત છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની આ કંપનીમાં ૧૯મી તારીખે સવારે અજાણ્યા વ્યક્તિએ કોલ કર્યો હતો. કોલ કરનારે તેની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી જયંતિભાઇ સાથે વાત કરવાનો આગ્રહ સેવ્યો હતો. જો કે કયા જયંતિભાઈ એનો ફોડ તેણે નહીં પાડતા રીસેપ્શનિસ્ટ દ્વારા કોલ કટ કરી દેવાયો હતો.
જો કે, ત્યારબાદ એ વ્યક્તિએ ઉપરા છાપરી કોલ કર્યા હતાં. જેથી આ મામલે કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતાં નિવૃત ડીવાયએસપી રણજીતસિંહ જાડેજા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ એ કોલર સાથે જાડેજાએ વાત કરી હતી. હું જયંતિભાઇ બોલો શું કામ છે એવું કહેતાં સામેની વ્યક્તિએ સીધી ધાક ધમકી આપવા માંડી હતી.
એ વ્યક્તિએ કંપનીનાં યંગની જાનની સલામતી ઇચ્છતા હોય તો મને ૨૫ લાખ રૂપિયા આપવા પડશે એમ કહી ખંડણી માગી હતી. જાડેજાએ કયા યંગ એવું પૂછતાં કોલર અકળાયો અને ૨૫ લાખ રૂપિયા નહીં આપો તો ટાર્ગેટ લોક થઈ જશે, પછી કોઇ અર્થ નહીં રહે. તમને બધુ ભારે પડી જશે એવી ધમકી આપી હતી. અગિયારથી બે વાગ્યા સુધીમાં આઠ થી દસ ધમકીભર્યા કોલ કરી ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હોય જાડેજાએ કતારગામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે દિનેશ ભાર્ગવ નામધારી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી. મોબાઇલ નંબરનાં આધારે શરૂ કરાયેલી તપાસ આ કંપનીના પૂર્વ કર્મચારી સુધી પહોંચી હતી. પોલીસે ધમકીભર્યા કોલ કરનાર વિજય દેસાઈ (રહે, દેવી રેસિડેન્સી, સિંગણપોર)ને દબોચી લીધો હતો. વિજય દેસાઇ ડાયમંડ કંપનીનો પૂર્વ કર્મચારી નીકળતાં મામલો થોડો હળવો બન્યો અને તંત્રએ રાહતનો દમ લીધો હતો.
નોકરી છોડીને કરેલા કપડાનાં ધંધામાં ખોટ ગઇ, શેરબજારમાં દેવાળું ફૂંક્યું
વિજય દેસાઇની પૂછપરછમાં એવી વાત બહાર આવી હતી કે, વિજય દેસાઇએ એક વર્ષ અગાઉ ત્રણ-ચાર મહિના એસઆરકે કંપનીમાં નોકરી કરી હતી. ત્યારબાદ તેણે કપડાનો ધંધો શરૂ કર્યો પરંતુ તેમાં ખોટ ગઇ હતી.કપડાના ધંધાની ખોટ ભરપાઈ કરવા વિજય દેસાઇએ શેરબજારમાં ઝંપલાવ્યું હતું. હોમલોનની ટોપ અપ કરાવી તેણે ૧૦ લાખ રૂપિયા મેળવ્યા અને શેર માર્કેટમાં લગાવ્યા હતા. ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગમાં દેસાઈ લાંબો ભરાયો અને મૂડી ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઘરમાં બીમારી આવતાં તેણે વ્યાજે રૂપિયા લેવાની નોબત આવી હતી. આ રીતે માથે પંદરેક લાખનું દેવું થઇ જતાં ચોમેરથી ઘેરાઈ ગયેલા વિજયે ફિલ્મીઢબે પૂર્વ શેઠને ધમકાવી પૈસા પડાવવાનું નક્કી કર્યું હતું. જો કે, તેમાં તે ઝડપાઇ જતાં હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે.