લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓક્ટોબર 2026 |
1485
ઈસનપુરથી જશોદાનગર તરફ જતા કેડિલા બ્રિજ પર શુક્રવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચોવચ બંધ પડેલા કચરાના ડમ્પર પાછળ એક ખાનગી કંપનીની સ્ટાફ બસ ધડાકાભેર અથડાતાં બસ ચાલક સહિત ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગત અનુસાર, નરોડા આદિશ્વરનગર ખાતે રહેતા નરેન્દ્રસિંહ ઝાલા સાણંદ સ્થિત કંપનીમાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે રાત્રે તેઓ કંપનીના સ્ટાફને લઈને પરત અમદાવાદ મૂકવા આવી રહ્યા હતા. તે દરમિયાન કેડિલા બ્રિજ પર પહોંચતાં જ માર્ગની વચ્ચોવચ કચરાનું એક ડમ્પર બંધ હાલતમાં ઊભું હતું. બસ ત્યાંથી પસાર થઈ રહી હતી તે જ વખતે ખાલી સાઇડમાંથી એક કાર ચાલકે અચાનક ડીપર લાઇટ મારીને વાહન હંકારી મૂક્યું હતું.કારે અચાનક ડીપર લાઇટ મારતાં કાર સાથેની ટક્કર ટાળવાના પ્રયાસમાં બસ સીધી માર્ગ પર ઊભેલા ડમ્પરના પાછળના ભાગમાં અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક નરેન્દ્રસિંહ ઉપરાંત દરવાજા પાસે ઊભેલા કંપનીના કર્મચારીઓ વિશાલસિંહ બારોટ અને અશોકકુમાર પરમારને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકોની મદદથી ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. ઘટના અંગે ‘જે’ ડિવિઝન ટ્રાફિક પોલીસે જાણવાજાેગ નોંધ કરીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.