લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુન 2026 |
2079
રોજનાં લડાઇ ઝઘડા અને મારઝૂડથી કંટાળી પત્નીએ રસોડામાં પડેલા ચાકુથી હુમલો કરી દેતાં પતિનું મોત થયું હોવાનો બનાવ ઇચ્છાપોરના ભાઠા ગામે બન્યો હતો. ઇચ્છાપોર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ભાઠા ગામની બોમ્બે કોલોનીમાં ૩૧ વર્ષીય રામરતન ઉર્ફે રાજુભાઇ જાેગેશભાઇ યાદવ તેની પત્ની મનીષા સાથે રહેતો હતો. ગત ૨૩મી જુને સાંજે રામરતન તેના ઘર વાડામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા રામરતનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. રામરતનને થયેલી ઈજા કોઈ હથિયાર કે ધારદાર વસ્તુથી કરાઇ હોવાનું જણાતા મામલો શંકાસ્પદ બન્યો હતો. તેના મૃતદેહનું ફોરેન્સિક પેનલ પીએમ કરાયું હતું.
આ સાથે જ ઇન્સ્પેક્ટર શીતલ શાહે રામરતનની પત્ની મનીષા તથા આડોશી પાડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી. પાડોશીએ પોલીસને એવું જણાવ્યું હતું કે, રામરતન અને મનીષા વચ્ચે જરા પણ બનતું ન હતું. રામરતન રોજ પત્ની મનીષા સાથે ઝઘડો અને મારઝૂડ પણ કરતો હતો. ત્યારબાદ મનીષાની આકરી પૂછતાછ કરાઇ હતી. જેમાં તેણીએ એવી કબૂલાત કરી હતી કે, રામરતન યાદવ દરરોજ સાંજે ઘરે આવે ત્યારે મારા મારી ઝઘડો કરતો હતો. તેના આ શારિરીક માનસિક ત્રાસથી તે કંટાળી ગઇ હતી.
૨૩મી તારીખે સાંજે પણ તેણે રાબેતા મુજબ જ ઘરે આવી લડાઈ ઝઘડો કરવા માંડ્યો હતો. ઘર કામ કરી રહેલી પત્ની મનીષા ઉપર તેણે હાથ ઉપાડતાં તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મનીષા મારથી બચવા ઘરની પાછળ વાડામાં જતી રહી હતી. યાદવ પણ તેણીની પાછળ ગયો અને તેને ધક્કો મારી દીધો હતો. મનીષા ધોવા મૂકેલા વાસણ પાસે પડી હતી. એ સમયે ત્યાં બટાકા છોલવા માટેનું પડેલું ચાકુ તેના હાથમાં આવી ગયું હતું. વધુ માર મારવા આવતાં પતિ પર તેણીએ આ ચાકુથી હુમલો કરી દીધો હતો. આ કબુલાતનાં આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી મનીષા રમેશભાઇ રાઠોડની ધરપકડ કરી હતી.