ભારે વરસાદની આગાહીને પગલે વેપારીઓ અને બિલ્ડર્સને એલર્ટ કરાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   1980

હવામાન વિભાગ દ્વારા સુરત અને આસપાસનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વેપારી અને બિલ્ડર સંગઠનો એક્શનમાં આવ્યા છે. ફોસ્ટા તેમજ સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા પોતાના સભ્યોને સતર્ક રહેવા અને આગોતરા સુરક્ષા પગલાં લેવા માટે વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. ફોસ્ટા દ્વારા સુરતના તમામ કાપડ માર્કેટનાં હોદ્દેદારો, મેનેજરો અને વેપારીઓને સંબોધીને જાહેર કરાયેલી એડવાઇઝરીમાં વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાવાની શક્યતા સામે આગોતરી તૈયારી રાખવા જણાવ્યું છે. જ્યાં પાણી ભરાવાનો ભય હોય ત્યાં સમયસર પાણી કાઢવાની વ્યવસ્થા કરવી, બેઝમેન્ટમાં રહેલો માલ સુરક્ષિત અને ઊંચી જગ્યાએ ખસેડવો, માર્કેટના હોદ્દેદારો તથા વેપારીઓના સંપર્ક નંબર ઉપલબ્ધ રાખવા તેમજ જનરેટર સેટની કામગીરી અગાઉથી ચકાસી લેવા સૂચના આપવામાં આવી છે. ફોસ્ટાએ વેપારીઓને ખાસ અપીલ કરી છે કે બેઝમેન્ટમાં કોઈપણ વાહન, બાઈક, કાર કે પાર્સલ ન રાખવામાં આવે. સાથે જ ટેમ્પો ચાલકોને પણ બેઝમેન્ટમાં પાર્સલ ભરેલાં વાહનો નહીં રાખવા અને જાે હોય તો તાત્કાલિક હટાવી દેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, સુરત ઈસ્ટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા તમામ બિલ્ડર્સને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા મજૂરોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળે સ્થળાંતર કરાવવા, સાઇટ પર પાણી ભરાવાની શક્યતા સામે જરૂરી વ્યવસ્થા કરવા અને તમામ કર્મચારીઓને સતર્ક રાખવા સૂચના આપવામાં આવી છે. વેપારી અને બિલ્ડર સંગઠનોનું કહેવું છે કે કુદરતી આપત્તિ સામે ગભરાવાની જરૂર નથી, પરંતુ આગોતરી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution