સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કરી ડો.હર્ષ પંડ્યાને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર બે ડોક્ટરની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓક્ટોબર 2026  |   2178

નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યાએ કરેલા આપઘાત કેસમાં ત્રણ મહિના બાદ પોલીસે બે મહિલા તબીબ દિક્ષીતા ઘેવરીયા અને હિના ભૂતની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે તબીબોની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર અરવલ્લીના મોડાસામાં રહેતા નિવૃત્ત ડોક્ટર સુભાષચંદ્ર પંડ્યાનાં પુત્ર ડો. હર્ષે સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં માર્ચ ૨૦૨૬માં એમડી માઇક્રોબાયોલોજીમાં એડમિશન લીધું હતું. ડો. હર્ષ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યુ પી.જી. હોસ્ટેલનાં બી બ્લોકનાં રૂમ નંબર ૧૦૦૫માં રહેતા હતા. ગત ૯ ઓગસ્ટની સવારે હોસ્ટેલનાં રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

દીકરાનાં અપમૃત્યુ મામલે પિતા સુભાષચંદ્રએ આ મામલે ગત ૧૫મી ઓગસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આક્ષેપ લગાવ્યા છે કે, ડો. હર્ષ શિડયુલ કાસ્ટમાંથી આવતો હોવાની જાણ સીનિયર રેસિડન્ટ્સને થઈ ગઈ હતી. ત્યારબાદ ચારેય જણાએ ભેગા મળી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ડો. હર્ષને અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ પડતું કામ સોંપવામાં આવતું અને જાહેરમાં વારંવાર અપમાનિત કરી માનસિક રીતે તોડી નાંખ્યા હતા.

પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હર્ષે આપઘાત કર્યો તેના ચાર-પાંચ દિવસ પહેલાં તેની સાથે ફોનમાં વાતચીત થઈ હતી. તે વખતે ડો. હર્ષે ખૂબ જ વ્યથિત થઈ જણાવ્યું હતું કે માઈક્રોબાયોલોજી વિભાગનાં સીનિયર રેસિડન્ટ્સ ડોક્ટર તેને માનસિક ત્રાસ આપે છે. એટલું જ નહીં, ઘણી વખત પેશન્ટ્સ અથવા પબ્લિકની હાજરીમાં જાહેરમાં ઉતારી પાડીને અપમાનિત કરતા હતા. લેબ ટેકનિશિયન, ર્નસિંગ તથા સફાઈ કર્મચારીઓ પોતાનું નિયત કામ ન કરે તો તે કામ પણ પરાણે કરવા સીનિયરો પ્રથમ વર્ષનાં રેસિડન્ટ્સ ઉપર સતત દબાણ કરતાં હતાં. પોલીસે ડો. સુભાષ પંડ્યાની ફરિયાદ લઇ ચારેય સીનિયર તબીબો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

એસીપી ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ડો. હર્ષ પંડ્યાનાં આપઘાત મામલે ફેક્ટ ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીનાં રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી આ કેસમાં ડો. દીક્ષિતા સંદીપભાઇ ઘેવરીયા (ઉ.વ.૨૫ રહે, જ્ઞાનગુરૂ વિધ્યાપીઠની સામે, કાળીયા બીડ, ભાવનગર) તથા ડો.હિના વાલજીભાઇ વેલજીભાઇ ભુત (ઉ.વ.૨૭ રહે, ભરત નગર, સરસ્વતી સ્કુલની બાજુમાં, છતડીયા રોડ, રાજુલા, જી. અમરેલી) ની ધરપકડ કરાઇ છે. રેગિંગ કમિટીનાં અહેવાલ મુજબ બંનેનો ભોગ બનનારને ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં સક્રિય ભૂમિકા હતી.

દેસાઇએ કહ્યું હતું કે, પોલીસ તપાસમાં બે મુખ્ય પ્રકારનાં પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં એક રેગિંગ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ અને બીજુ અન્ય તબીબો દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ ચેટ તથા કમ્યુનિકેશનનો સમાવેશ થાય છે, જેમાં ભોગ બનનારને થતી તકલીફો સામે આવી હતી. આ કેસમાં હજુ અન્ય બે આરોપીઓ ડો.અનુજ બસંત મહેશ્વરી અને ડો.નિરાલી પરેશભાઇ વસાવેને પકડવાના બાકી છે. તેઓ અગાઉ આગોતરા જામીન અને ક્વોશિંગ પીટિશન માટે કાયદાકીય પ્રક્રિયામાં હતા અને પોલીસની ધરપકડથી બચવા સગા-સંબંધીઓ તથા મિત્રોનાં ઘરે આશરો લઈ છુપાતા ફરતા હતા. બંનેને પકડવા પોલીસની તપાસ ચાલી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution