વટવાના વાંદરવડ તળાવમાં નાહવા પડેલા બે સગીરના ડૂબી જવાથી મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   2079

શહેરના વટવા વિસ્તારમાં કોલેજ પાસે આવેલા વાંદરવડ તળાવમાં ગઈકાલે મોડી સાંજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. તળાવમાં નાહવા પડેલા બે સગીર વયના બાળકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે આજે સવારે ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીની મદદથી સવારે ૮ વાગે બંનેના મૃતદેહ બહાર કઢાયા છે. બન્ને શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વટવા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બન્ને બાળકો મંગળવારે સાંજે તળાવમાં પડ્યા હોવાની વિગત મળ્યા બાદ ફાયર બ્રિગેડે તપાસ હાથ ધરી હતી. પરંતુ મળી આવ્યા ન હતા. ઉપરાંત જેણે માહિતી આપી તેને પણ ખરેખર બાળકો પડ્યા છે કે કેમ તેનો ખ્યાલ ન હતો ઉપરાંત કોઇ ગુમ થવા અંગેની વિગતો પણ સામે આવી ન હતી. જેથી રાત્રે બચાવ કામગીરી રોકી દેવામાં આવી હતી. જાે કે, ફરી વહેલી સવારથી જ ફાયર બ્રિગેડની ટીમે કામગીરી શરૂ કરી હતી. આ અંગે વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. વછેટાના જણાવ્યા અનુસાર, સાંજે આશરે ૭:૪૦ વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને વાંદરવડ તળાવમાં ૨ થી ૩ છોકરાઓ ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જાેઈ વટવા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ, વટવા વિસ્તારમાંથી જ બે બાળકો ગુમ થયા હોવાની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી, જેથી તેઓ આ તળાવમાં જ ડૂબ્યા હોવાની આશંકા પ્રબળ બની હતી. ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત સુધી તળાવમાં શોધખોળ ચાલુ રાખી હતી. રાત્રિના સમયે અંધારું વધી જતાં શોધખોળમાં મદદરૂપ થવા અદ્યતન ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જાેકે, મોડી રાત સુધી બાળકોનો કોઈ પત્તો મળ્યો નહોતો.આજે વહેલી સવારે ફાયર બ્રિગેડની બીજી ટીમ દ્વારા ફરીથી શોધખોળ શરુ કરવામાં આવી હતી. સવારે ૮:૦૦ વાગ્યાની આસપાસ બંને સગીરોના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. સ્થળ પર હાજર વટવા પોલીસની ટીમે બંને મૃતદેહોનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. વટવા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution