ચલથાણ નહેરમાં વાંકાનેડાનાં બે યુવાનો બાઈક સાથે ખાબક્યાં, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   2079

પલસાણા તાલુકાના સાંકી ગામ નજીક આવેલી પેસિફિક કૉલેજ પાસે શનિવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાંકાનેડા ગામના બે આશાસ્પદ યુવાનો તેમની મોટરસાયકલ સાથે ચલથાણ નહેરમાં પડતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમને એક યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી છે, જ્યારે બીજા યુવાનની શોધખોળ હજુ પણ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રહેતા ૨૦ વર્ષીય શુભમ સુધાકર ગાયકવાડ અને તેનો ૨૦ વર્ષીય મિત્ર દીપક પ્રેસમસિંગ રાજપૂત શનિવારે રાત્રિના સમયે તેમની હીરો મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. તેઓ ચલથાણ ખાતે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનેથી જઈ રહ્યા હતા ત્યારે સાંકી ગામ પાસે પેસિફિક કૉલેજ નજીક અચાનક મોટરસાયકલ પરથી કાબુ ગુમાવતા બંને મિત્રો બાઈક સાથે સીધા ઊંડી નહેરમાં ખાબક્યાં હતાં.

શનિવારે રાત્રે આશરે ૯:૩૦ વાગ્યાના સુમારે નહેર પરથી પસાર થઈ રહેલા નિલેશભાઈ મોરી નામના જાગૃત નાગરિકની નજર નહેરમાંથી આવતા પ્રકાશ પર પડી હતી. તેમણે ધ્યાનથી જોતા નહેરમાં ગરકાવ થયેલી મોટરસાયકલની લાઈટ ચાલુ હોવાનું જણાયું હતું. આથી તેમણે તાત્કાલિક પલસાણા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા કડોદરા જીઆઇડીસીફાયર અને બારડોલી ફાયરની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. રાત્રિના સમયે ભારે જહેમત બાદ નહેરમાંથી મોટરસાયકલ બહાર કાઢવામાં આવી હતી, પરંતુ યુવાનોનો કોઈ પત્તો ન લાગતા આખરે તંત્ર દ્વારા નહેરનું પાણી બંધ કરાવવામાં આવ્યું હતું. રવિવારે સવારે બંને ફાયર ટીમોએ ફરીથી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરતા નહેરમાંથી ૨૦ વર્ષીય શુભમ સુધાકર ગાયકવાડનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા ૨૦ વર્ષીય દીપક પ્રેસમસિંગ રાજપૂતની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. યુવાન પુત્રના મોતના સમાચારથી વાંકાનેડા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution