
મુંબઈ, મુંબઈના ઇતિહાસમાં આજે એક ઐતિહાસિક ઘટના બની, જ્યારે ઠાકરે ભાઈઓ - રાજ અને ઉદ્ધવ ઠાકરે - ૨૦ વર્ષ પછી એક રાજકીય મંચ પર સાથે આવ્યા. આ પહેલા પણ તેઓ ઘણી વખત મળ્યા હતા, પરંતુ વરલીમાં પહેલીવાર જાહેરમાં મંચ શેર કર્યો.
વર્લી ડોમ ખાતે રેલીને સંબોધતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું કે, જે કામ બાલા સાહેબ ઠાકરે ન કરી શક્યા તે આજે થશે. તેમણે ડોમની બહાર ઉભેલા લોકોની માફી માંગી. રાજ ઠાકરેએ હિન્દી ભાષાના મુદ્દે આકરા શબ્દોમાં કહ્યું કે, આજે હિન્દી ભાષી લોકો રોજગાર માટે મહારાષ્ટ્ર આવે છે. હિન્દી એક સારી ભાષા છે, પરંતુ તેઓ તેને આપણા પર લાદી શકતા નથી. આપણને હિન્દી શીખવા માટે કેમ દબાણ કરવામાં આવે છે? આ અન્યાય છે. તેમણે એક મંત્રી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતા યુપી, બિહાર અને રાજસ્થાન જેવા હિન્દીભાષી રાજ્યોની ત્રીજી ભાષા વિશે પ્રશ્ન કર્યો. તેમણે દ્રઢપણે કહ્યું કે, મુંબઈ ક્યારેય મહારાષ્ટ્રથી અલગ નહીં થાય.
રાજ ઠાકરેએ આ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ભાષા પછી આ લોકો જાતિનું રાજકારણ કરશે. આપણે મહારાષ્ટ્ર માટે જે કરી શકીએ તે કરીશું. સીએમ ફડણવીસે આપણને એક કર્યા છે. અમને નબળા સમજવાની ભૂલ ન કરો. નાના બાળકો પર હિન્દીનું કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે? આજની સભામાં ન તો કોઈ ધ્વજ છે કે, ન તો કોઈ મરાઠી એજન્ડા છે. જાે તમે કોઈને માર મારશો, તો તે ઘટનાનો વીડિયો ન બનાવો.
કાર્યક્રમને સંબોધિત કરતી વખતે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અફવા ફેલાવવાની ફેક્ટરી ગણાવી. તેમણે ૧૯૯૨-૯૩માં શિવસેનાએ હિન્દુઓને બચાવ્યા હોવાનો દાવો કર્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વિના ઉદ્ધવે કહ્યું કે, ભાષાના નામે ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં. જાે આ ગુંડાગીરી ન્યાય મેળવવા માટે છે, તો અમે ગુંડા છીએ. મુંબઈ અમારો અધિકાર છે અને અમે તેના માટે લડ્યા છીએ.
ઉદ્ધવે પોતાના ભાષણની શરૂઆત એમ કહીને કરી કે, આજે બધાની નજર અમારા ભાષણ પર છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે આપણે બંને સાથે છીએ. આપણી વચ્ચે જે મતભેદ હતા, તે મરાઠીએ દૂર કર્યા છે. આપણે સાથે રહેવા માટે ભેગા થયા છીએ. તેમણે કલમ ૩૭૦ના સમર્થનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે આપણે હિન્દી અને હિન્દુસ્તાનનો નારા લગાવી રહ્યા છીએ. હિન્દી અને હિન્દુસ્તાન હોવું જાેઈએ, પરંતુ હિન્દી શક્તિનો વિરોધ કરીશું. તેઓએ આપણો ઉપયોગ કર્યો અને પછી આપણને છોડી દીધા છે. આ ભાજપની નીતિ છે. આ લોકો રાજકારણમાં ઉદ્યોગપતિ બની ગયા છે. તેમની વિચારસરણી તોડીફોડીને શાસન કરવાની છે.
ઉદ્ધવે પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કરતા કહ્યું કે, આ બધું ટોચ પર બેઠેલા બે લોકોના કારણે થઈ રહ્યું છે. હવે આ લોકો મહારાષ્ટ્રમાં પણ ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે.
રાજ અને ઉદ્ધવ વચ્ચેનો વિવાદ શું હતો?
એક પૂર્વભૂમિકા રાજ ઠાકરે ૧૯૮૯ થી રાજકારણમાં સક્રિય છે. ૨૧ વર્ષની ઉંમરે, તેઓ શિવસેનાના વિદ્યાર્થી પાંખ, ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હતા. ૨૦૦૫ માં, શિવસેના પર ઉદ્ધવનું પ્રભુત્વ થવા લાગ્યું. ૨૦૦૩ માં મહાબળેશ્વરમાં પાર્ટીનું સંમેલન યોજાયું ત્યારે બાળાસાહેબ ઠાકરેએ રાજને ઉદ્ધવને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનું કહ્યું. ૨૦૦૫ સુધીમાં, ઉદ્ધવે પાર્ટી પર પ્રભુત્વ મેળવવાનું શરૂ કરી દીધું, જે રાજ ઠાકરેને ગમ્યું નહીં. ૨૭ નવેમ્લ ૨૦૦૫ ના રોજ, રાજ ઠાકરેએ શિવસેનાના નેતા પદ પરથી રાજીનામું આપીને ૯ માર્ચ ૨૦૦૬ ના રોજ પોતાની પાર્ટી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (મનસે)ની જાહેરાત કરી, જેને તેમણે ‘મરાઠી માનુષોની પાર્ટી’ ગણાવી.
શિંદેના ‘જય ગુજરાત’ના નારાથી વિવાદ
પુણે : મહારાષ્ટ્રના ડે. સીએમ એકનાથ શિંદેએ પુણેમાં એક કાર્યક્રમમાં ‘જય ગુજરાત, જય મહારાષ્ટ્ર’ ના નારા લગાવ્યા, જેને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ હાજર હતા, તેમણે લોકોને ગુજરાતીમાં સંબોધિત કર્યા હતા. જે બાબતે મહારાષ્ટ્ર કોંગ્રેસના એકમના પ્રમુખ હર્ષવર્ધન સપકલે શિંદે પર પ્રહારો કર્યા અને તેને ‘રાજકીય ગુલામી’ ગણાવી. સપકલે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ છે, જેઓ આત્મસન્માન અને સાર્વભૌમત્વ માટે ઉભા હતા. તેમણે નાયબ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલા નેતા દ્વારા ‘જય મહારાષ્ટ્ર’ ને બદલે ‘જય ગુજરાત’ ના નારા લગાવવાને શરમજનક ગણાવ્યું. સપકલે દાવો કર્યો કે શિંદેએ મૂળ શિવસેના તોડીને અને ગુજરાતના દળો દ્વારા પાર્ટીનું નામ અને પ્રતીક મેળવ્યા પછી, તેમના રાજકીય માલિકોને ખુશ કરવા માટે બધી હદો વટાવી દીધી છે. તેમનો ‘જય ગુજરાત’નો નારો માત્ર ચાપલૂસી નથી, પરંતુ મહારાષ્ટ્ર નિવાસીનું અપમાન છે.
હિન્દીભાષી લોકો મહારાષ્ટ્રમાં રોજગાર માટે આવે છે : રાજ
રાજ ઠાકરેએ કહ્યુંહતું કે, અમે શાંત છીએ, એનો અર્થ એ નથી કે અમે ડરીએ છીએ, મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ અલગ કરી શકતું નથી. હિન્દી એક સારી ભાષા છે, પરંતુ તેને લાદી શકાતી નથી. હિન્દી ભાષી લોકો રોજગાર માટે મહારાષ્ટ્રમાં આવે છે.
યુપી, બિહાર, રાજસ્થાનમાં ત્રીજી ભાષા કઈ હશે : રાજ
પોતાના સંબોધનમા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, એક મંત્રી મને મળ્યા અને મને તેમની વાત સાભળવા કહ્યું. મેં સ્પષ્ટ કહ્યું, હું સાંભળીશ પણ સંમત નહીં થાઉં. મેં તેમને પૂછ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં ત્રીજી ભાષા કઈ હશે. આ બધા હિન્દીભાષી રાજ્યો આપણી પાછળ છે, આપણે તેમનાથી આગળ છીએ, તો પછી આપણે બળજબરીથી હિન્દી કેમ શીખવી પડે છે, આ અન્યાય છે.
મોદી કઈ સ્કૂલમાં ભણ્યા હતા? : ઉદ્ધવનો સવાલ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, આજે ઘણા બાબા જ્યોતિષીઓ વ્યસ્ત છે. કોઈ આપણી કુંડળી જાેઈ રહ્યું છેકે, આપણે (રાજ-ઉદ્ધવ) સાથે આવીશું કે નહીં, પરંતુ મારા દાદાએ આ કપટી બાબાઓ સામે લડત લડી હતી. અમે બંનેએ અનુભવ કર્યો છે કે કેવી રીતે ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે, આજે અમે બંને સાથે છીએ. અમે બંને ભાઈઓની શાળા વિશે વાત કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદી કઈ સ્કૂલમાં ભણ્યા હતા, ભાજપ એક એવી પાર્ટી છે જે અફવાઓ ફેલાવે છે.
સંકુચિત વિચારસરણી મરાઠી માનુષને શોભતી નથી : દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની ‘જય ગુજરાત’ ટિપ્પણીનો બચાવ કર્યો. તેમણે કહ્યું હતું કે, શિંદેએ ‘જય ગુજરાત’ કહ્યું, તેનો અર્થ એ નથી કે શિંદે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતને વધુ પ્રેમ કરે છે. આવી સંકુચિત વિચારસરણી મરાઠી માનુષને શોભતી નથી. જ્યારે કર્ણાટકના ચિકોડીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરાયું ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ‘જય મહારાષ્ટ્ર, જય કર્ણાટક’ ના નારા લગાવ્યા હતા. શું આનો અર્થ એ છે કે શરદ પવાર કર્ણાટકને વધુ અને મહારાષ્ટ્રને ઓછું પ્રેમ કરે છે? રાજ્યમાં મરાઠી ભાષા પર ગર્વ હોવો ખોટું નથી, પરંતુ જાે કોઈ ભાષાના નામે ગુંડાગીરી કરે છે, તો તેને સહન કરવામાં આવશે નહીં. ભાષાના આધારે કોઈને પણ માર મારવો પણ સહન કરાશે નહીં.
Loading ...
