વડોદરાવાસીઓને મોંઘવારીનો ઝટકો! CNG ₹90.50 અને PNGના ભાવમાં પણ વધારો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2026  |   વડોદરા   |   1188

દિવાળીના તહેવારો વચ્ચે વડોદરાના નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા CNG અને ઘરેલુ PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 1 નવેમ્બર, 2026થી નવા ભાવ અમલી બનતા વાહનચાલકો અને સામાન્ય પરિવારોના બજેટ પર વધારાનો બોજ પડશે.


CNGના ભાવમાં ₹1.50નો વધારો


વડોદરામાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1.50નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹89 પ્રતિ કિલોગ્રામના ભાવે મળતો CNG હવે ₹90.50 થયો છે. આ ભાવવધારાથી રિક્ષાચાલકો, કેબચાલકો અને CNG વાહનનો ઉપયોગ કરતા નાગરિકોના દૈનિક ખર્ચમાં વધારો થશે.


ઘરેલુ PNG પણ મોંઘો થયો


CNGની સાથે ઘરેલુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં પણ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) 50 પૈસાનો વધારો થયો છે. અગાઉ ₹55.74 પ્રતિ SCMના ભાવે મળતો PNG હવે ₹56.24 થયો છે (વેટ સિવાય). જેના કારણે ઘરેલું ગેસના બિલમાં પણ વધારો થશે.


ભાવવધારા પાછળનું કારણ શું?


વડોદરા ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારો, આયાતી ગેસના ખર્ચમાં વૃદ્ધિ અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની નબળાઈને કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.


આ ભાવવધારાની અસર શહેરના હજારો ઘરેલું ગ્રાહકો, વેપારી એકમો, ઔદ્યોગિક એકમો અને CNG વાહનચાલકો પર પડશે. દિવાળીના તહેવારો દરમિયાન જ ગેસના ભાવ વધતા સામાન્ય નાગરિકોના ઘરખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution