લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
3069
પાંડેસરાના કૈલાસ ચોકડી વિસ્તારમાં રહેતી તરૂણી પર બે બોયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હતો. બહેનપણી મારફત સંપર્કમાં આવેલા વેસુ અને વરાછાના લવરમૂછિયાઓએ તરૂણીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ હવસનો શિકાર બનાવી હતી. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર પાંડેસરાના કૈલાસ ચોકડી વિસ્તારમાં ઉત્તર ભારતીય મહિલા બે દીકરીઓ સાથે રહે છે. ઉધના બીઆરસી વિસ્તારમાં કામ કરવા જતી આ મહિલાને તેની બે દીકરીઓ પણ મદદ કરતી હતી. આ દરમિયાન સાડા સોળ વર્ષ ઉંમરની નાની દીકરી કૈલાસ (નામ બદલ્યું છે)ને વનિતા નામના યુવતી સાથે ઓળખ પરિચય થયો હતો. માતા કામ કરતી ત્યારે આ કૈલાસ બહેનપણી વનિતા સાથે રહેતી હતી.
વનિતા થકી આ કૈલાસ કેટલાક યુવકોના સંપર્કમાં આવી હતી. જેમાં વેસુમાં આરઆર મોલ પાસે રહેતા દિવ્યેશ અને વરાછા રહેતાં રોશનનો પણ સમાવેશ થાય છે. કૈલાસે પહેલા દિવ્યેશ સાથે સંબંધ વધાર્યા હતાં. તે આ સગીરાને ગત જુલાઈ મહિનામાં વેસુ સ્થિત આવાસમાં લઇ ગયો અને શરીર સંબંધ બાંધ્યા હતાં. થોડો સમય સાથે રહેલી કૈલાસ સાથે દિવ્યેશે જુદી જુદી જગ્યાએ શરીર સંબંધ બાંધ્યા હતાં. ત્યારબાદ કૈલાસ વરાછાના રોશન સાથે જાેડાઇ હતી. રોશન પણ તેણીને ફરવાના બહાને લઇ જતો અને શરીર સંબંધ બાંધતો હતો. સીટીલાઇટ રોડ ઉપર અશોક પાન પાસે આવેલા પરિચીતમાં ફ્લેટમાં તેણે કૈલાસ સાથે અંગત પળો વિતાવી હતી.
દોઢેક મહિનામાં આ બે લબરમૂછિયાએ વારાફરતી કૈલાસ સાથે શારીરિક સંબંધ રાખ્યા હતાં. આ દરમિયાન કૈલાસ વધુ સમય ઘરની બહાર રહેવા માંડતાં તેની માતાને શંકા ગઇ હતી. તેણીએ આ અંગે પૂછ્યું તો કૈલાસે દિવ્યેશ અને રોશન સાથેના સંબંધો અંગે જણાવી દીધું હતું. કૈલાસ સગીરવયની હોવાથી તેની સાથે બાંધેલો શરીર સંબંધ બળાત્કારની વ્યાખ્યામાં આવતો હોય માતાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી દિવ્યેશ અને રોશનની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.