લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, સપ્ટેમ્બર 2026 |
1881
પાલનપુર તાલુકાના દલવાડામાં સામાજિક વિવાદમાં નાના ભાઈ હીરા પટેલે મોટા ભાઈ રમેશ પટેલના માથામાં વોંસીનો ઘા ઝીંકી હત્યા કરી દીધી છે. ગઢ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. પાલનપુર તાલુકામાં આવેલા દલવાડા ગામમાં લોહીના સંબંધોને લજવતી એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે. દલવાડા ગામમાં સામાજિક બાબતે બે સગા ભાઈઓ વચ્ચે થયેલી ઉગ્ર તકરારમાં નાના ભાઈએ આવેશમાં આવીને પોતાના જ મોટા ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ર્નિમમ હત્યા કરી નાખી છે. પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, દલવાડા ખાતે રહેતા રમેશભાઈ પટેલ અને તેમના સગા નાના ભાઈ હીરા પટેલ વચ્ચે કોઈ સામાજિક પ્રશ્ને કે વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ તકરારે જાેતજાેતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં નાનો ભાઈ હીરા પટેલ ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેઠો હતો.
તેણે પોતાના મોટા ભાઈ રમેશભાઈ પટેલના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર (વોંસી) નો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે રમેશભાઈ પટેલ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. આ હત્યાના બનાવની જાણ થતાં જ ગઢ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત દલવાડા ગામે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી રમેશભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરી હતી. ભાઈ દ્વારા જ ભાઈની હત્યા કરાતાં દલવાડા ગામમાં ચકચાર સાથે ઘેરા શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે.આ ઘટના અંગે મૃતક રમેશભાઈ પટેલના પુત્રએ પોતાના સગા કાકા હીરા પટેલ સામે પોતાના પિતાની હત્યા કરવા અંગે ગઢ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપી કાકા હીરા પટેલને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.