દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ગળું કાપી ઘાતકી હત્યા: પાંચ સામે ગુનો નોંધાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2026  |   2475

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ સંતોષનગર ચાર માળીયા પાછળ જૂની અદાવત રાખીને ૨૪ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સરેરાશ અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં ‘મામા’ અને તેના સાગરીતોએ ઘેરીને ૨૪ વર્ષિય યુવક પર તીક્ષ્ણ છરીનો ઘા ગળાના ભાગે ઝીંક્યો હતો. જેથી યુવકને લોહીલુહાણ હાલતમાં એલજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ મામલે દાણીલીમડા પોલીસે ૫ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર, બહેરામપુરા સંતોષનગર ચાર માળીયા ખાતે રહેતા અને જમાલપુર શાકમાર્કેટમાં મજૂરીકામ કરતા અફઝલ સૈયદના ૨૪ વર્ષીય નાના ભાઈ હુસેન ઉર્ફે જીણીયાની મંગળવારે રાત્રે ૧૧:૦૦ થી ૧૧:૩૦ ના સુમારે હુસેન ચાર માળીયા બ્લોક નં-૨૮ ની પાછળ રસુલગલી પાસે ઊભો હતો, ત્યારે જૂની અદાવત રાખી હુસેન ઉર્ફે મામા, આસીફ ઉર્ફે ફાવડા, સોહીલ ઉર્ફે ડોલો, મોહસીન ઉર્ફે ચામુન અને જાવેદ ઉર્ફે રબ્બુ નામના શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે હુસેનને ચોમેરથી ઘેરી લીધો હતો. જેમાં સોહિલ ઉર્ફે ડોલો અને આસીફ ઉર્ફે ફાવડાએ હુસેન ભાગી ન શકે તે માટે તેને મજબૂતાઈથી પકડી રાખ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી હુસેન ઉર્ફે મામાએ પોતાની પાસેની તીક્ષ્ણ છરી વડે તેના ગળાના નીચેના ભાગે ઊંડો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જેથી હુસેન ઉર્ફે જીણીયો લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. ત્યારબાદ હુમલાખોરો પલાયન થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે લોહીલુહાણ થયેલા યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution