લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ઓક્ટોબર 2026 |
2277
યાત્રાધામ ડાકોરમાં નવરાત્રી દરમિયાન મધરાત્રિના સમયે અચાનક પરિસ્થિતિ વણસતાં લોહિયાળ અથડામણ થઈ હતી.સત્યમ સોસાયટી નજીક નવી નગરી વિસ્તારમાં અચાનક બે કોમના જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ શરૂ થયું હતું.જાેતજાેતામાં મામલો એટલો ગંભીર બન્યો કે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઉશ્કેરાટમાં તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલા કરવા લાગ્યા હતા.તીક્ષ્ણ હથિયારોથી કરવામાં આવેલા આ હુમલામાં બંને તરફથી લોકો ઘવાયા હતા અને એક મહિલા સહિત કુલ ૯ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.પોલીસે ૮ પૈકી ૫ આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ મૃતક સહિત ૮ વ્યક્તિઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,બે જૂથ વચ્ચે અંગત અદાવત ચાલી રહી હતી અને તે બાબતને લઈને મોડી રાત્રે બંને પક્ષો સામસામે આવી ગયા હતા.બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.આ જૂથ અથડામણ દરમિયાન સુલતાન શેખ નામના યુવક પર હુમલો થતાં તેનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ ડાકોર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી. ડાકોર પોલીસે આ સમગ્ર બનાવમાં ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બંને પક્ષો તરફથી સામસામી ગુનાહિત ફરિયાદો નોંધી છે.પ્રથમ પક્ષે નોંધાવેલી હત્યાની ફરિયાદમાં ડાકોર પોલીસે કુલ ૮ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.ગુનો નોંધાયા બાદ એક્શનમાં આવેલી પોલીસે તાબડતોબ આ ૮ પૈકી ૫ આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે.જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરાઈ છે.
બીજી તરફ,સામા પક્ષે પણ આ અથડામણ સંદર્ભે ગંભીર મારામારીની ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદમાં મૃતક સુલતાન શેખ તેમજ એક મહિલા સહિત કુલ ૮ વ્યક્તિઓ સામે કાયદેસર ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કાયદેસર તપાસ આગળ ધપાવી છે. બે કોમ વચ્ચે થયેલી જૂથ અથડામણ અને યુવકની હત્યાના પગલે ડાકોરમાં ભારેલા અગ્નિ જેવો તંગદિલીનો માહોલ જાેવા મળી રહ્યો છે.શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો તેમજ શાંતિ-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.ડાકોરમાં સર્જાયેલા તણાવને ધ્યાને રાખી પોલીસનો મોટો કાફલો રાઉન્ડ ધ ક્લોક તહેનાત કરી દેવામાં આવ્યો છે.પોલીસે ફરાર રહેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પણ અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.