નવરાત્રિ ડોમમાં બે ઇમરજન્સી એક્ઝિટ સાથે વ્યક્તિદીઠ ૧ ચો.મી. જગ્યા ફરજિયાત!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026  |   3960

અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન એરકન્ડિશન્ડ ડોમ ધરાવતા પ્રીમિયમ અને મિડ-લેવલ પાર્ટી પ્લોટ્સની સંખ્યામાં ગત વર્ષના ૫૦ની સરખામણીએ આ વર્ષે ૬૦થી વધુનો નોંધપાત્ર વધારો થવાની શક્યતા ધ્યાને આવતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા એક વિસ્તૃત જાહેરનામું તૈયાર કરવામાં આવ્યું છે, શહેરમાં એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોટા પાયે ક્લોઝ્ડ સ્ટ્રક્ચર (ડોમ) ઊભા કરવાની તૈયારીઓ શરૂ થતાં ખેલૈયાઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા ફાયર વિભાગે પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ અંગે કડક શરતો નક્કી કરી છે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન લાખો ખેલૈયાઓ અને નાગરિકોની જાહેર સલામતી જળવાઈ રહે અને આગ-અકસ્માતની કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા તમામ ગરબા આયોજકો માટે ૩૦ મુદ્દાની કડક ફાયર સેફ્ટી તૈયાર કરી છે. જેને અંગે હવે આવનારા દિવસોમાં નોટિસ બહાર પાડવામાં આવી છે. ગાઇડલાઇન્સ મુજબ આયોજકોએ પંડાલની ક્ષમતા અનુસાર જ પ્રવેશ આપવાનો રહેશે, જેમાં વ્યક્તિદીઠ ઓછામાં ઓછી ૧ સ્ક્વેર મીટર જગ્યા ફાળવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, પંડાલમાં પરસ્પર સામે દિશામાં ઓછામાં ઓછા બે ‘ઇમરજન્સી એક્ઝિટ’રાખવા સહિતના કડક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.

ફાયર અધિકારીના જણાવ્યા મુજબ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટેજ બનાવતી વખતે સ્કૂલ, હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થોના ગોડાઉનથી પૂરતું અંતર રાખવું પડશે જેથી ફાયર ફાઇટર વાહનો સરળતાથી આવી શકે. ભઠ્ઠી, સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર કે હાઇટેન્શન-રેલવે લાઇન નીચે કે નજીક મંડપ બાંધી શકાશે નહીં અને સ્ટ્રક્ચર વચ્ચે ૨ મીટરથી ઓછું અંતર ન હોવું જાેઈએ. પંડાલમાં કોઈ ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં અને બહાર નીકળવાનો રસ્તો (ટ્રાવેલિંગ ડિસ્ટન્સ) ૧૫ મીટરથી વધુ ન હોવો જાેઈએ. સીટિંગ વ્યવસ્થામાં સીટની ૧૦-૧૦ બેઠક પછી ઓછામાં ઓછી ૧.૫ મીટર પહોળાઈનો પેસેજ રાખવો પડશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution