નવા ઉદ્યોગો માટે શહેરોમાં ૧૦ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૫ ટકા સબસિડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026  |   1782

ગુજરાત સરકારે તા.૧૫મી જૂન ૨૦૨૬ના રોજ ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ની જાહેરાત કરી હતી. એ પછી ૮૩ દિવસ બાદ ગતરોજ તા.૮મી સપ્ટેમ્બરની મોડી રાત્રે ઔદ્યોગિક પોલિસીનો વિગતવાર જી.આર. બહાર પાડવામાં આવ્યો હતો. ઔદ્યોગિક પોલિસીમાં સબસિડીનો લાભ આપવા માટે દરેક જિલ્લાનાં તાલુકાઓને બે જૂથમાં વહેંચી નાંખવામાં આવ્યા છે. એ-જૂથમાં ઔદ્યોગિક વિકાસ થયો નથી તેવા તાલુકાઓ જ્યારે બી જૂથમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરી વિસ્તારો અને તેને અડીને આવેલા તાલુકાઓનો સમાવાયા છે. એ જૂથના તાલુકાઓમાં લાયકાતપાત્ર ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૧૫ ટકા સબસિડી જ્યારે બી-જૂથનાં તાલુકાઓમાં ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૧૦ ટકા સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓ જેમાં મહુવા, અંબિકા અને ઉમરપાડા તાલુકા વિસ્તારમાં નવા મેન્યુફેક્ચરીંગ યુનિટ વિકસાવનારા ઉદ્યોગકારને ૧૫ ટકા સબસિડી મળી શકશે. એ સિવાયના તાલુકાઓ જેમાં માંગરોળ, કામરેજ, પલસાણા, ઓલપાડ, સુરત સિટી, માંડવી, બારડોલી અને અરેઠ (માંડવી) તાલુકા વિસ્તારને બી ગ્રુપમાં સમાવાયા છે. આ વિસ્તારમાં મૂડીરોકાણ કરનાર ઉદ્યોગકારને ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૧૦ ટકા સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખેરગામ (નવસારી), નેત્રંગ (ભરૂચ). કુકરમુંડા (તાપી), ઉચ્છલ (તાપી), નિઝર (તાપી), ડોલવણ (તાપી). સોનગઢ (તાપી), ઉકાઇ (તાપી), સુબિર (ડાંગ), વઘઇ (ડાંગ) અને આહવા (ડાંગ)ને એ ગ્રુપમાં સમાવાય છે, આ એવા તાલુકાઓ છે જ્યાં મૂડીરોકાણ કરનારા ઉદ્યોગકારોને ૧૫ ટકા સબસિડી ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર મળશે.

આ પાંચ ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરનારાને ૫૦ ટકા સુધીની જંગી સબસિડી આપવાનું એલાન

ગુજરાત ઔદ્યોગિક પોલિસીનાં જી.આર.માં રાજ્ય સરકારે ૫ એવા ઉદ્યોગો નિશ્ચિત કર્યા છે જેમાં મૂડીરોકાણ કરનારા ઉદ્યોગકારોને એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ૫૦ ટકા સુધીની જંગી સબસિડી આપવાની જાેગવાઇ કરવામાં આવી છે. આ પાંચ ઉદ્યોગોમાં (૧) સ્પોર્ટસ ગુડ્ઝ એન્ડ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરીંગ (૨) ટોય (રમકડાં) ઉત્પાદન (૩) ફૂટવેયર મેન્યુફેક્ચરિંગ (૪) રોબોટ મેન્યુફેક્ચરિંગ અને (૫) ડ્રોન મેન્યુફેક્ચરિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાેકે, આ સેક્ટરમાં મૂડીરોકાણની લઘુત્તમ મર્યાદા રૂ.૧ હજાર કરોડ છે અને વધુમાં વધુ રૂ.૧૦ હજાર કરોડ સુધીનું મૂડીરોકાણ કરનારાને જ ૫૦ ટકાથી ૪૫ ટકા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી આપવાની જાેગવાઇ કરવામાં આવી છે. જાણકારોના મત મુજબ આટલું મોટું મૂડીરોકાણ કરનાર નવા ઉદ્યોગો ભાગ્યે જ વિકસશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution