સંગિની ટેક્સ્ટાઈલ હબ માર્કેટમાં ૧૦ દુકાનો ભેગી કરી ગેરકાયદે બાંધકામ દ્વારા બનાવાયેલી દુકાનમાં આગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026  |   1584

સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં આવેલ સંગિની ટેક્સ્ટાઇલ હબ માર્કેટમાં બપોરનાં સમયે અચાનક જ પહેલા માળે પેસેજમાં ગેરકાયદે કબજાે કરી ૧૦ દુકાનને માત્ર ૧ દુકાનમાં ફેરવી નાંખી બનાવવામાં આવેલ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયરબ્રિગ્રેડ કંટ્રોલ વિભાગને કરવામાં આવતા જ ફાયર વિભાગ દ્વારા ૧૫ ફાયર સ્ટેશનથી કુલ ૨૫ ગાડીઓનો કાફલો કામે લગાવવામાં આવ્યો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. જાેકે મોડી સાંજે પણ કૂલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં અશ્વનિકુમાર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયરમેનને ધુમાડાના કારણે ગૂંગળામણ થતા તેને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીની ગાડીમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આજે ફરી એકવાર માર્કેટમાં રહેલા ગેરકાયદે માળીયાએ ફાયર બ્રિગેડનાં જવાનોને આગને કાબુમાં લેવામાં ભારે મથામણ કરાવી હતી.

સુરત શહેરમાં ભૂતકાળમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાયા બાદ પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમાંથી હજુ સુધી કોઈ શીખ મેળવી હોય તેવું લાગતું નથી. અગાઉ પણ સુરત શહેરની અલગ અલગ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગની દુર્ઘટનાઓ બની ચુકી છે. જેમાં ગેરકાયદે માળીયાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલ શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટની બાજુમાં સંગિની ટેક્સ્ટાઈલ હબ-બી વિભાગમાં પહેલા માળે આવેલ દુકાન નંબર ૧૨૩ થી દુકાન નંબર ૧૩૨ની વચ્ચે બનાવવામાં આવેલ મનીતા સીન્થેટિક્સ નામની દુકાનમાં આગની દુર્ઘટના બની હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો. જેના કારણે એક પછી એક તમામ દુકાનની અંદર આગ પ્રસરી જવા પામી હતી. ૧૦ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે ખડકી લેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર હોવાને કારણે અન્ય પાંચ ફાયર સ્ટેશન મળી કુલ પંદર ફાયર સ્ટેશનની ૨૫ જેટલી ગાડીઓનો કાફલો કામે લગાવી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણ આગને કાબુમાં લેવામાં આવી હતી. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution