દિલ્હી-

શુક્રવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ટીમે, 100 કરોડના ખંડણીના મામલામાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના મુંબઈ અને નાગપુરના મકાનમાં દરોડા પાડ્યા હતા. ઇડીની વિવિધ ટીમો બંને સ્થળોએ વિસ્તૃત શોધખોળ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર, મહિનાના 100 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો આરોપ મૂક્યો હતો. ઇડી આ કેસની તપાસ મની લોન્ડરિંગના એંગલથી કરી રહી છે. આ જ કેસમાં ગુરુવારે ઇડીએ મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર રાજુ ભુજબળ ની 5 કલાક પૂછપરછ કરી હતી. ભુજબળ પાસેથી મળેલી માહિતીના આધારે, શુક્રવારે સવારે ઇડીની બે જુદી જુદી ટીમો, અનિલ દેશમુખના મુંબઈ માં આવેલ જ્ઞાનેશ્વરી બંગલામાં અને નાગપુરના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન ઇડીએ સુરક્ષા હેઠળની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓનો સહયોગ લીધો છે. મુંબઇના જ્ઞાનેશ્વરી બંગલા પર ઇડીના દરોડા દરમિયાન અનિલ દેશમુખના કાગળો અને ઇલેક્ટ્રોનિક્સની તપાસ કરવામાં આવી રહી છે. નાગપુર સ્થિત અનિલ દેશમુખના ઘરે તેની પત્ની અને પુત્રવધૂનો મોબાઇલ ફોન ઇડીએ કબજે કર્યો છે. અહીં ઇડી ફાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસની પણ શોધ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પુરાવા મળ્યા બાદ ઇડી આજે અનિલ દેશમુખની ધરપકડ કરી શકે છે.