લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓક્ટોબર 2026 |
1683
હોર્મુઝ જળમાર્ગ અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજાેની સુરક્ષાને લઈને ચિંતા ફરી વધી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક મંગળવારે પનામાનો ધ્વજ ધરાવતા એક કોમર્શિયલ જહાજ પર પ્રોજેક્ટાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં જહાજના ૧૨ ક્રૂ સભ્યો ઘાયલ થયા છે, જેમાં ૧૧ ભારતીય નાવિકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની ભારત સરકારે સખત શબ્દોમાં નિંદા કરી છે અને સંવેદનશીલ જળમાર્ગોમાં વેપારી જહાજાે તથા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જહાજ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો. જહાજમાં કુલ ૧૯ ક્રૂ સભ્યો હતા, જેમાં ૧૭ ભારતીય નાગરિકો હતા. હુમલા બાદ ઓમાનના સુરક્ષા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને ઘાયલ ક્રૂ સભ્યોને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ઘાયલોને ઓમાનના ખસાબ શહેરમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભારત સરકાર સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને ઘાયલ ભારતીય નાવિકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે વેપારી જહાજ પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે આવા હુમલાઓને રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને ઓમાનના અધિકારીઓનો ભારતીય નાવિકોને બચાવવા તથા તાત્કાલિક સારવાર પૂરી પાડવા બદલ આભાર માન્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે વેપારી જહાજાે, નાવિકો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવું ગંભીર બાબત છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં વેપાર અને સામાન્ય અવરજવર કોઈપણ પ્રકારના અવરોધ વિના ચાલુ રહે તે માટે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવી જરૂરી છે.