ડાંગ-ઉપરવાસમાં ભારે વરસાદથી ૨૦ ગામો પ્રભાવિત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   1980

ડાંગ જિલ્લાનાં ગામડાંઓમાં બે દિવસ પૂર્વે બારે મેઘ ખાંગા થતા ડાંગી જનજીવન પર માઠી અસર પહોંચી હતી. ગુરુવારે ભારે વરસાદ બાદ શુક્રવારે વરસાદે પોરો ખાતા ડાંગનું જનજીવન ફરી ધબકતું જાેવા મળ્યું હતું. જેમાં શનિવારે ફરી ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શનિવારે સવારથી જ મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદનાં પગલે અંબિકા, ખાપરી, પૂર્ણાં અને ગીરા નદી સતત ત્રીજા દિવસે ગાંડીતુર હાલતમાં જાેવા મળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદનાં પગલે પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં કુલ ૧૩ માર્ગો ઓવરટોપિંગના કારણે અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યાં છે. જેને લઈ ૨૦ ગામો પ્રભાવિત થયા છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જાેવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું. તો બીજી તરફ વઘઇ બોટનિકલ ગાર્ડન, વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતાં. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર, છેલ્લાં ૨૪ કલાક દરમિયાન આહવા પંથકમાં ૧.૮ ઈંચ, વઘઇ પંથકમાં ૧.૮૪ ઈંચ, સુબિર પંથકમાં ૨.૩૨ ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં ૩.૫૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution