લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, સપ્ટેમ્બર 2026 |
4653
ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન અને કરોડો ચાહકોના હૃદયસમ્રાટ વિરાટ કોહલીએ પોતાની નિવૃત્તિને લઈને ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તાજેતરમાં જ એક મુલાકાત દરમિયાન કોહલીએ સ્પષ્ટતા કરી છે કે વર્ષ ૨૦૨૭માં રમાનારો આઇસીસી વનડે વર્લ્ડ કપ તેમની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેગા ટુર્નામેન્ટ રહેશે. ૨૦૧૧ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો મહત્ત્વનો હિસ્સો રહેલા કોહલીએ જણાવ્યું છે કે તેઓ પોતાની આ અંતિમ વૈશ્વિક સ્પર્ધામાં દેશને ટ્રોફી અપાવવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેશે.
આગામી ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની ધરતી પર સંયુક્ત રીતે યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ૪ ઓક્ટોબરથી શરૂ થઈને ૨૧ નવેમ્બર સુધી ચાલશે. મોટાભાગની મહત્ત્વપૂર્ણ મેચો દક્ષિણ આફ્રિકામાં રમાવાની છે, જે ભારતીય ચાહકો માટે એક સકારાત્મક પાસું છે કારણ કે દક્ષિણ આફ્રિકાની પિચો પર વિરાટ કોહલીની સરેરાશ (એવરેજ) ૭૬.૩૮ રહી છે. આ વખતે આઇસીસી દ્વારા વર્લ્ડ કપના ફોર્મેટમાં પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ૨૦૨૭ના વર્લ્ડ કપમાં કુલ ૧૪ ટીમો ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. નવા નિયમો અનુસાર, રેન્કિંગમાં નીચે રહેલી ૩ ટીમો વચ્ચે સુપર ૩ શ્રેણી રમાશે અને ત્યારબાદ ૧૨ ટીમો વચ્ચે સુપર ૭ તબક્કાની રોમાંચક મેચો જાેવા મળશે.
વિરાટ કોહલીએ પોતાના લક્ષ્યાંકો વિશે વાત કરતાં કહ્યું હતું કે, “આગામી વર્લ્ડ કપ વિદેશી પરિસ્થિતિઓમાં રમાવાનો છે, જેમાં ખેલાડીઓને અત્યંત ઊર્જા અને સખત મહેનતની જરૂર પડશે. આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે, અને તે જ મારા માટે સૌથી મોટો પ્રેરણાસ્રોત છે. હું તેમાં મારું સર્વસ્વ આપીશ.”