લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 |
1881
શાહીબાગમાં રહેતી ૪૦ વર્ષીય પરિણિતાના લગ્નને ૧૫ વર્ષ થયા છતા પણ પતિ સહિત સાસરીયાઓ દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા. એટલુ જ નહીં તું પિયરમાંથી કંઈ લાવેલ નથી, અને તું હવે મને ગમતી નથી કહીને પતિ સતત હેરાન કરતો હતો. જેથી કંટાળીને પરિણિતાએ તેના પિતાને ફોન કરીને કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના પિતાએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સહિત સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૈજપુર બોઘા ખાતે રહેતા અંબારામ વાઘેલાની દીકરી સોનલબેનના લગ્ન આશરે ૧૫ વર્ષ પહેલાં શાહીબાગ ખાતે રહેતા પરેશ શામળભાઈ સોલંકી સાથે થયા હતા. તેમને સંતાનમાં ૧૧ વર્ષનો પુત્ર ‘ભૂમિલ’ છે. લગ્નજીવનના શરૂઆતના વર્ષો સારા રહ્યા બાદ દસ વર્ષ પહેલાં પતિ પરેશને ધંધા-વેપારમાં મોટું નુકસાન જતાં દેવું થઈ ગયું હતું. ત્યારથી સાસરિયાઓ ચઢામણી કરીને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે સોનલબેનને સતત મેણાં-ટોણા મારતા હતા.પરિણિતાને અવારનવાર કહેવામાં આવતું હતું કે, “તું પિયરમાંથી કંઈ લાવેલ નથી, તું અમને ગમતી નથી અને કોઈ કામ-ધંધો પણ કરતી નથી.” આ ઉપરાંત પતિ બીજી પત્ની લાવવાની ધમકી આપતો હતો. ગઈ તારીખ ૬ તારીખના રોજ સવારે સોનલબેને પોતાના પિતાને ફોન કરીને રાયપુર કેનાલે હોવાનું જણાવી કહ્યું હતું કે, “હું સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને કેનાલમાં પડું છું.” પિતા અને પરિવારજનો તુરંત જ કેનાલ પર દોડી ગયા હતા, પરંતુ તે પહેલાં સોનલબેનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોની મદદથી મૃતદેહ બહાર કાઢીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવામાં આવ્યું હતું. આ મામલે શાહિબાગ પોલીસે પતિ પરેશ સોલંકી, સાસુ ખેમીબેન, જેઠ અરૂણભાઈ તથા જીતુભાઈ અને જેઠાણી જયાબેન તથા હર્ષિદાબેન ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.