લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, સપ્ટેમ્બર 2026 |
5940
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે ગુજરાતનું ગુણવત્તાયુક્ત શૈક્ષણિક મોડેલ સામે આવ્યું છે. રાજ્યમાં સેંકડો વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને ટાટા કરીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તેમાંય ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં ૪૮૧૭ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યા છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ૮ સપ્ટેમ્બર માત્ર અક્ષર ઓળખની ઉજવણી નથી, પરંતુ દરેક નાગરિકને જ્ઞાન અને ટેકનોલોજીથી સજ્જ કરવાનો અવસર છે. ગુજરાત સરકારે ‘ગુણવત્તાયુક્ત શિક્ષણ’ને પ્રાથમિકતા આપીને રચેલું શૈક્ષણિક મોડેલ આજે દેશભરમાં પ્રેરણારૂપ બન્યું છે. રાજ્ય સરકારના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ’ અને ગાંધીનગર સ્થિત વિશ્વસ્તરીય ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ જેવા ડેટા-ડ્રાઇવન પ્રકલ્પોએ શિક્ષણનું સ્તર આમૂલ બદલી નાખ્યું છે.
હવે સાક્ષરતાનો અર્થ કેવળ વાંચતા-લખતા શીખવવું નથી રહ્યો, પરંતુ બાળકોને ડિજિટલ રીતે સાક્ષર બનાવવાનો છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના સંદર્ભમાં અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં આવેલું પરિવર્તન રાજ્ય સરકારની નીતિઓની સફળતાની જીવંત સાક્ષી પૂરે છે. જેમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ અને સ્ટેમ લેબ્સ મહત્વપૂર્ણ છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં હવે ચોક-ડસ્ટરની જગ્યાએ થ્રીડી એનિમેટેડ કન્ટેન્ટ ધરાવતા સ્માર્ટ બોર્ડ અને સાયન્સ-ટેકનોલોજી લેબ્સ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ, અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગનું સચોટ આયોજન અને શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પરિશ્રમે સાક્ષરતાને એક જન-આંદોલન બનાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે અમદાવાદની આ સફળતા દર્શાવે છે કે રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ હાથોમાં છે. સાક્ષરતાના આ વૈશ્વિક સંકલ્પને ગુજરાતનું સરકારી શિક્ષણ માળખું આજે વાસ્તવિકતામાં બદલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણીના આ અવસરે અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં આવેલું ગુણાત્મક પરિવર્તન સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.