૭ બૉલ પર ૭ બાઉન્ડ્રી... ઈશાન કિશનની ૪૨ બૉલમાં સદી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, જાન્યુઆરી 2026  |   5148


નવી દિલ્હી, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી ટી૨૦ મેચમાં ઈશાન કિશને કિવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું છે. મેચના પહેલા બોલથી જ ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગના મૂડમાં હતો. તેણે માત્ર ૨૮ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ અસલી રોમાંચ તો ૧૨મી ઓવરમાં આવ્યો જ્યારે ન્યૂઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢી બોલિંગ કરવા આવ્યા. ઈશાને આ ઓવરને ટાર્ગેટ કરી રનનો વરસાદ કર્યો હતો. ઓવરની શરૂઆત વાઈડથી થઈ, ત્યારબાદ ઈશાને સતત ૩ ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલે આસમાની છગ્ગો, પાંચમા બોલે ફરી ચોગ્ગો અને છેલ્લે છગ્ગા સાથે ઓવર પૂરી કરી. એક જ ઓવરમાં ઈશાને કુલ ૨૯ રન ઝૂડી નાખ્યા.આ સાથે જ ઈશ સોઢીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો, જે ન્યૂઝીલેન્ડ માટે ટી૨૦માં બીજી સૌથી મોંઘી ઓવર સાબિત થઈ. ઈશાન કિશન રીતસરનો ન્યૂઝીલેન્ડ પર તૂટી પડ્યો હતો. સોઢીની ઓવર પૂર્ણ થયા બાદ જ્યારે તે પછીની ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો, ત્યારે તેણે પહેલા જ બોલે છગ્ગો ફટકારી દીધો. આમ, તેણે સતત ૭ બોલમાં ૭ ચોગ્ગા-છગ્ગા ફટકારવાનો અદભૂત રેકોર્ડ બનાવ્યો હતો. માત્ર ૧૪ બોલ ઈશાન કિશને ૫૦ રનથી ૧૦૦ રન સુધી ફટકાર્યા હતા એટલે કે ફિફ્ટી (૨૮ બોલ) જડ્યા બાદ બીજી ફિફ્ટી માત્ર ૧૪ બોલમાં લગાવી હતી. ન્યૂઝીલેન્ડ સામે ટી૨૦માં આ સૌથી ઝડપી સદી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution