આસામ, બિહાર અને બંગાળના સરહદી વિસ્તારોને સાંકળી લઈ શક્તિશાળી ‘ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો’ રચવામાં આવશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   2772


દેશના પૂર્વોત્તર ભાગને મુખ્ય ભૂમિ સાથે જાેડતા અત્યંત વ્યુહાત્મક અને સંવેદનશીલ સિલીગુડી કોરિડોર (ચિકન્સ નેક)ની રોકટોક વગરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક ર્નિણય લીધો છે. પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશની પૂર્વીય સરહદોની વ્યાપક સમીક્ષા કર્યા બાદ આ વિસ્તારને અભેદ્ય કવચ પૂરું પાડવા માટે એક ખાસ ‘ટ્રાયંગ્યુલર સિક્યોરિટી ગ્રીડ’ (ત્રિકોણીય સુરક્ષા ઘેરો) સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. સિલીગુડી નજીક સુકના ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી વિશેષ બેઠકમાં દેશની સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, વિવિધ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તેમજ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

નવી સુરક્ષા યોજના હેઠળ આસામના ધુબરી, બિહારના કિશનગંજ અને પશ્ચિમ બંગાળના ચોપરા ખાતે ત્રણ નવા સૈન્ય મથકો (મિલિટરી ગેરીસન) સ્થાપવામાં આવશે. આ ત્રણેય વ્યૂહાત્મક સ્થળો મળીને એક મજબૂત ત્રિકોણીય ઘેરો તૈયાર કરશે, જે સિલીગુડી કોરિડોરની આસપાસ સુરક્ષા દળોની પહોંચ અને ત્વરિત કાર્યવાહી કરવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

સુરક્ષાની દ્રષ્ટિએ આ ક્ષેત્ર એટલા માટે પણ અતિ મહત્વપૂર્ણ છે કારણ કે સિલીગુડી કોરિડોર નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ એમ ત્રણ આંતરરાષ્ટ્રીય સરહદોની ખૂબ નજીક આવેલો છે. માત્ર થોડા જ કિલોમીટર પહોળો આ સાંકડો જમીની માર્ગ ભારતના આઠ પૂર્વોત્તર રાજ્યોને દેશના બાકીના હિસ્સા સાથે જાેડે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution