લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025 |
વડોદરા |
13563
વડોદરાના તાંદલજા વિસ્તારના ઉબડખાબડ રસ્તાઓથી લોકો ભારે પરેશાન થઈ ચુક્યા છે. વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાય જાય છે અને તેને લીધે અકસ્માતો પણ થતા રહે છે. ઈદે મિલાદના તહેવારમાં પણ તાંદલજાના રસ્તા પરના ખાડાઓ નહીં પુરવામાં આવતા લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે વોર્ડ ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત, એક અધિકારીની ખુરશી પર જૂતાનો હાર પહેરાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
તાંદલજાના રહીશોએ વોર્ડ નંબર - ૧૦ની ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક અગ્રણી અશ્ફાક મલેકે જણાવ્યુ હતુ કે, તાંદલજા વિસ્તારના રસ્તા પર પડેલા ખાડા પૂરવામાં આવતા નથી. જેથી સ્થાનિક રહીશોમાં ખુબ ઉશ્કેરાટ છે. આજે વિસ્તારના લોકોએ ભેગા મળીને વોર્ડ ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. કોર્પોરશનના અધિકારી આશુતોષ સોનવણે કોઈનો ફોન રિસિવ કરતા નથી. અને ફરિયાદો સાંભળતા નથી એટલે ઉશ્કેરાયેલા લોકોએ આજે એમની ખુરશીને જૂતાનો હાર પહેરાવ્યો હતો.