લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
2376
ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા દંપતીની સાત વર્ષની બાળકી સાથે હમવતની યુવકે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ઓડિશાનાં વતની એવા મીના અને માધવ ( ઓળખ બદલી છે) બમરોલી બ્રિજ પાસે આશાપુરી સોસાયટીમાં રહે છે. આ દંપતી ઉઘના મગદલ્લા રોડ ઉપર રાયકા સર્કલ પાસેની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતાં જરીનાં ખાતામાં કામ કરે છે. મીના અને માધવને સાત વર્ષની દીકરી પણ છે. પરિવારમાં અન્ય કોઇ ન હોવાથી આ દંપતી કારખાનામાં કામ કરવા જાય ત્યારે બાળકીને પણ સાથે લઇ જતું હતું. માતા-પિતા તેમનું કામ કરે અને બાળકી કારખાનાની ખુલ્લી જગ્યામાં રમ્યા કરતી હતી. આ કારખાનામાં ધિરેન ઉર્ફ બાબુ જયસેન ડાકુઆ (રહે- આશાપુરી સોસાયટી વિ-૨, પાંડેસરા) પણ કામ કરતો હતો. ધિરેન પણ ઓડિશાનાં ગંજામ જિલ્લાનો વતની હોવા ઉપરાંત ઘર નજીક રહેતો હોય તેને મીના અને માધવ સાથે સારા સંબંધ હતાં. ઓગણીસેક વર્ષ ઉંમરનો ધિરેન આ દંપતીની સાત વર્ષની બાળકીને પણ રમાડ્યા કરતો હતો. જો કે, ધિરેન બાળકીને રમડવા ઓથે તેણી સાથે વિકૃત ચેનચાળા અને અડપલાં કરતો હતો. કામમાં વ્યસ્ત રહેતાં દંપતીએ ધિરેનની આ હરકતો પર ધ્યાન આપ્યું ન હતું. દરમિયાન ગત ૧૧મી તારીખે ધિરેને કારખાનામાં વિકૃતિની તમામ હદ વટાવી હતી. મીના અને માધવ કામમાં વ્યસ્ત હતાં એ દરમિયાન તે ફરી એ બાળકી પાસે ગયો હતો. તે એ બાળાને ફોસલાની કારખાનામાં બનાવાયેલા કપડા બદલવાના રૂમમાં લઇ ગયો હતો. ધિરેન ડાકુઆ એ આ રૂમમાં માત્ર સાત વર્ષની બાળકીને ર્નિવસ્ત્ર કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. નીચ હરકત કરી તે જતો રહ્યો હતો. ત્યારબાદ બાળકીએ તેની માતાને સઘળી હકીકત જણાવી હતી. જેથી આ દંપતિ તુરંત બાળકીને લઈ ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ઇન્સ્પેક્ટર એન. વી. ભરવાડે દંપતીની ફરિયાદ સાંભળવા સાથે બાળકીની પણ પૂછપરછ કરી હતી. બાળકીએ ધિરેન તેની સાથે જે કરતો એ બધું જણાવ્યું હતું. ભરવાડે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવા સાથે બાળાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બાળા સાથે અધમ કૃત્ય કરનારા ધિરેન ઉર્ફે બાબુને અટકાયતમાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.