ભાવનગરથી ઝેરી દારૂ પીને સુરત આવેલા યુવકે ચોથા દિવસે દમ તોડ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   1980

સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર ભાવનગરના લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સુરતના યુવકને શુક્રવારે બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ શનિવારે બપોરે તેણે દમ તોડી દીધો હતો. ખટોદરા કેનાલ રોડ પર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં તે ચાર દિવસથી સારવાર હેઠળ હતો.

મળતી માહિતી અનુસાર ભાવનગરનાં ઘોઘા નજીક આવેલા ખરકડી ગામે ૧૬ ઓગસ્ટમી ઓગસ્ટની રાત્રે પાર્ટી યોજાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યાની ખુશીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્રો દ્વારા મહેફિલનું આયોજન કરાયું હતું. આ મહેફિલમાં પીરસાયેલી વ્હીસ્કી ઝેરી કેમિકલથી બનેલી હોય સેવન કરનારાઓની તબિયત લથડવા માંડી હતી. ૧૮મી તારીખે પાર્ટી આપનાર ઉપેન્દ્રસિંહનું તથા ડુપ્લિકેટ વ્હીસ્કી બનાવનાર યાદવનું મોત નીપજતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આ પાર્ટીમાં સુરતમાં રહેતાં સંજય લક્ષ્મણસિંહ ડોડીયાએ પણ ઝેરી દારૂ પીધો હતો. ૧૬ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવેલા સંજયસિંહની તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને સિરિયસ હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને હૃદય ધબકતું કર્યું હતું, ત્યારબાદ તેને પરવત પાટિયા વિસ્તારની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સ્થિતિ વધું કથળતાં સંજયસિંહને આઇએનએસ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

આઈએનએસ હોસ્પિટલનાં ન્યુરો એક્સપર્ટ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેને શુક્રવારે બ્રેઇન ડેડ ઘોષિત કરાયો હતો. ત્યારબાદ શનિવારે બપોરે પરિવારની મંજૂરી લઈ લાઇફ સપોર્ટ સીસ્ટમ હટાવી લેવાતાં તેનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તબીબોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સંજયસિંહના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપાયો હતો. સંજયે દમ તોડ્યો એ સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution