લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026 |
3960
અમદાવાદની ચાર ર્સ્વનિભર શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલા ૩૫ વિદ્યાર્થીઓના કેસમાં વાલીઓની આવકને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.કેટલાક વાલીઓએ લાખો રૂપિયાની આવક દર્શાવી હોવા છતાં આરટીઇ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવતાં હવે ડીઇઓ સમક્ષ સુનાવણી યોજાશે.
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શહેરની જાણીતી શાળામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર એક વિદ્યાર્થીનાં માતા-પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંયુક્ત રીતે રૂ. ૨૭,૧૬,૭૧૩ની આવકનું ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું હોવા છતાં આરટીઈ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના પિતાએ રૂ. ૧૨,૫૪,૪૮૫ અને માતાએ રૂ. ૧૪,૫૯,૨૩૧ની આવક દર્શાવી હતી. આરટીઇ હેઠળ વાર્ષિક આવકની રૂ. છ લાખની પાત્રતા મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા વાલીઓના ૩૫ જેટલા કેસ અમદાવાદની ચાર ર્સ્વનિભર શાળાઓએ ચકાસણી દરમિયાન શોધી કાઢ્યા છે. શાળાઓએ આ તમામ કેસ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂ કર્યા છે. અન્ય એક વિદ્યાર્થીના કિસ્સામાં તેના પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧૧.૭૯ લાખની આવક ઉપરાંત રૂ. ૭.૧૦ લાખની ખેતીની આવક દર્શાવી હતી. તેમ છતાં તેમના પુત્રને વર્ષ ૨૦૨૬-૨૭ માટે આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો હતો. અન્ય એક કિસ્સામાં બાળકીનાં માતા-પિતાએ વર્ષ ૨૦૨૫-૨૬ના ઈન્કમટેક્સ રિટર્નમાં ૧૩.૫૪ લાખની સંયુક્ત આવક દર્શાવી હતી અને તેમની પુત્રીને પણ આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો હતો.ડીઈઓએ જણાવ્યું છે કે તેમને ૩૫ કેસ અંગે ફરિયાદો મળી છે અને આગામી સપ્તાહે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ અને શાળાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજાેની ચકાસણી કર્યા પછી આગળની કાર્યવાહી અંગે ર્નિણય લેવામાં આવશે.