લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
2079
દલિત સમાજમાંથી આવતી વકીલ યુવતીનું લગ્ન કરી હિન્દુ તરીકે સાથે રહેવાનો વાયદો કરી સાત વર્ષ જાતીય શોષણ કર્યા બાદ પોતાના સીનિયરની ડિવોર્સી દીકરી સાથે સંસાર માંડી દગો કરનાર એડવોકેટ રહીમ શેખ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. કાનૂની રાહત માટે હાઇકોર્ટ સુધી દોડધામ કરી ચૂકેલા રહીમ શેખની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતી વનિતા ( નામ બદલ્યું છે) વ્યવસાયે વકીલ છે. એપ્રિલ ૨૦૧૮માં તેણીને એડવોકેટ રહીમ રઝાક શેખ સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ રહીમે વનિતાની ઓફિસે આંટાફેરા કરી મારી પાસે કામ કરવા માટે ઓફિસ નથી, હું તમારી સાથે ઓફિસમાં કામ કરવા માગુ છું એમ કહી તેણી સાથે બેસતો થયો હતો. ત્યારબાદ તેઓએ ૨૦૧૮માં કતારગામ વિસ્તારમાં સહિયારી ઓફિસ શરૂ કરી હતી.
એક જ ઓફિસમાં કામ કરવા દરમિયાન રહીમે વનિતાને કહ્યું કે, હું ભલે મુસ્લિમ છું, પરંતુ હિન્દુ ધર્મ બાબતે ઘણી જાણકારી ધરાવું છું. હિન્દુ ધર્મ અંગે મને ઘણો પ્રેમ છે. આ રહીમ શેખ ઓફિસમાં સત્યનારાયણ કથા-પૂજામાં વનિતા સાથે બેઠો હતો. ત્યારબાદ ગણેશોત્સવ વેળા તે શ્રીજીની પ્રતિમા લેવા વનિતાની સાથે ગયો હતો. ગણેશ સ્થાપન પૂજામાં પણ તે બેઠો હતો. નવરાત્રિના તહેવાર દરમિયાન તે વનિતા સાથે ગરબા રમવા પણ જવા માંડ્યો હતો.
ઓગસ્ટ ૨૦૧૮માં રહીમે ઓફિસમાં જ વનિતાની માંગમાં સિંદૂર પુરી મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. આપણે સેટ થઇ જઇશું ત્યારબાદ ધામ ધૂમથી લગ્ન કરીશું એમ કહી તે વનિતા સાથે ઓફિસમાં જ શરીર સંબંધ બાંધવા માંડ્યો હતો.
આ દરમિયાન રહીમ શેખ તેણીને તેના સીનિયર એડવોકેટ અબ્દુલ વહાબ શેખનાં નાનપુરા સ્થિત ઘરે પણ લઈ જવા માંડ્યો હતો. અબ્દુલ વહાબ તથા તેમના પત્ની નસરીને અમે રહીમનાં માતા-પિતા સમાન છીએ, અમે તમારા બંનેનાં લગ્ન કરાવી આપીશુ એમ કહેતાં વનિતાનો વિશ્વાસ વધ્યો હતો. રહીમ શેખ તેણીને પત્નીની જેમ રાખતો અને સાપુતારા, ગોવા, કુલુ મનાલી વિગેરે સ્થળે ફરવા લઈ જઈ શરીર સંબંધ બાંધતો રહ્યો હતો.
જો કે, માર્ચ ૨૦૨૬માં રહીમ શેખે તેના સીનિયર વહાબ શેખની ડિવોર્સી દીકરી મારૂકા સાથે નિકાહ કરી લીધા હતાં. આ વાતની જાણ થતાં વનિતાએ પૂછ્યું તો તો તેણે ખુલાસો કર્યો હતો કે, વહાબ શેખે મારી દીકરી ઘણા વર્ષોથી છૂટાછેડા લઈને ઘરે બેસેલ છે. અને તેના બીજે કયાંય લગ્ન થતા નથી. એટલે તું તેની સાથે નિકાહ કરી લે, હું તારી લાઈફ સેટ કરી દઈશ. એટલે મારે મજબુરીમાં તેની સાથે નિકાહ કરવા પડયા છે. પણ તું ટેન્શન નહી લે, હું તેને તલાક આપીને તારી સાથે લગ્ન કરીશ.
રહીમની આ વાત પણ વનિતાએ માની અને તેની સાથે સંબંધ ચાલુ રાખ્યાં હતાં. બીજી તરફ રહીમ તેણીને તારે કોઇની સાથે વાતો કરવાની નહીં,તને કોઇનો કોલ આવવો જોઇએ નહીં એમ કહીને માનસિક ત્રાસ ગુજારવા માંડ્યો હતો. નાની નાની વાતે લડાઈ ઝઘડા કરવા સાથે જ્ઞાતિ વિષયક ગાળો દઈ અપમાન કરવા માંડેલા રહીમ રઝાક શેખ સામે આખરે વનિતાએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મે મહિનામાં ગુનો નોંધાયા બાદ રહીમ શેખની એસીપી આહીરે ધરપકડ કરી હતી. કોર્ટમાં રજુ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા હોવાનું પણ જાણવા મળે છે.