લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2026 |
4059
ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જાેવા મળે છે, પરંતુ હવે આ જીવલેણ બીમારી સામે દેશવાસીઓને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે. ભારતમાં આવતા વર્ષના શરૂઆતના ૬ મહિનામાં ડેન્ગ્યુની પહેલી રસી બજારમાં આવી શકે છે. જાપાનની દવા કંપની તાકેદાની રસી ‘'QDENGA‘ને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી વેચાણ માટેની મંજૂરી મળી ગઈ છે. દેશભરમાં આ રસી ઉપલબ્ધ કરાવવા માટે જાપાનીઝ કંપનીએ ભારતની પ્રખ્યાત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે. આ રસી ૪ થી ૬૦ વર્ષની વયજૂથના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. આ રસીના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે ૩ મહિનાનું અંતર રાખવું પડશે. અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તેવા દર્દીઓ પણ આ રસી મુકાવી શકશે. ડેન્ગ્યુ વાયરસના ૪ અલગ-અલગ સ્ટ્રેન હોય છે, જેથી એક વખત ચેપ લાગ્યા પછી પણ બીજા સ્ટ્રેનનો ખતરો યથાવત રહે છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચારેય પ્રકારના સ્ટ્રેન સામે રક્ષણ પૂરું પાડે છે. ડેન્ગ્યુ એડિસ મચ્છરના કરડવાથી ફેલાતી એક ગંભીર વાયરલ બીમારી છે, જેના કારણે દર વર્ષે સેંકડો દર્દીઓ ગંભીર સ્થિતિમાં મુકાય છે અને ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. આ નવી રસી આવવાથી દર્દીઓમાં ડેન્ગ્યુના ગંભીર લક્ષણો ઘટી જશે અને હોસ્પિટલમાં દાખલ થવાની કે મૃત્યુ પામવાની શક્યતામાં મોટો ઘટાડો થશે.