લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026 |
1782
અમદાવાદની ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ પરિસરમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન ઉશ્કેરાયેલા એક પતિએ કોર્ટ રૂમની બહાર આવીને પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. વકીલો અને હાજર લોકોએ તાત્કાલિક સમયસૂચકતા વાપરીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં રહેતી ફાલગુની પરાગભાઇ શાહે વર્ષ ૨૦૨૪માં તેમના પતિ પરાગ શાહ સામે મેટ્રોકોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. જેમાં અદાલતે પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જાેકે, પતિ પરાગ દ્વારા ભરણપોષણની રકમ ન ચૂકવાતાં કોર્ટે તેની સામે રિકવરી વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ કેસમાં આજે સુનાવણી હોવાથી પરાગ કોર્ટ નંબર ૧૯માં હાજર રહ્યો હતો. સુનાવણી દરમિયાન દંપતી વચ્ચે માથાકૂટ થતાં પરાગ ઉશ્કેરાઈને કોર્ટ રૂમની બહાર આવી ગયો હતો. કોર્ટ રૂમની બહાર નીકળ્યા બાદ પરાગે પોતાની પાસે રહેલો જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જાેતજાેતામાં તે અગનજ્વાળાઓમાં ઘેરાઈ જતાં ત્યાં હાજર લોકોમાં ફાળ પડી હતી. જાેકે, ઘટનાસ્થળે હાજર વકીલો અને નાગરિકોએ તુરંત જ બુદ્ધિશક્તિ વાપરી આગ બુઝાવી દીધી હતી. ત્યારબાદ પરાગને નીચે લાવી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
દિવસે ૧૦ હજારની અવરજવર પણ સુરક્ષા રામ ભરોસે!
આ ઘટનાએ મેટ્રોકોર્ટની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાડી દીધા છે. દૈનિક ૧૦ હજારથી વધુ લોકોની અવરજવર ધરાવતી આ કોર્ટમાં સુરક્ષાના નામે ‘મીંડું’ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. કોર્ટના પ્રવેશો પર યોગ્ય ચેકિંગ કે મેટલ ડિટેક્ટરની સુવિધા નથી. પૂરતો પોલીસ કાફલો મુકવાને બદલે માત્ર હોમગાર્ડના ભરોસે આખી કોર્ટની સુરક્ષા સોંપી દેવાઈ છે. આ અગાઉ પણ મેટ્રોકોર્ટમાં હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. વકીલ આલમમાં આ બાબતે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વકીલોનું કહેવું છે કે, “આજે કોઈ વ્યક્તિ સરળતાથી જ્વલનશીલ પદાર્થ લઈને અંદર આવી ગયો, કાલે કોઈ હથિયાર કે બોમ્બ લઈને આવીને વિસ્ફોટ કે હુમલો કરે તો જવાબદાર કોણ?” સત્તાધીશો તાત્કાલિક ધોરણે જાગીને કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.